‘જ્ઞાનેશ પણ જશે, સરકાર પણ જશે’, CJPના પ્રદર્શન વચ્ચે રાહુલ ગાંધીનું મોટું નિવેદન

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને કેન્દ્ર સરકારને લઈને આકરું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર લખ્યું કે, “જ્ઞાનેશ કુમાર જશે, આ સરકાર જશે. ત્યારબાદ લોકતંત્રની મરામત શરૂ થશે.” CJPના પ્રદર્શનથી કોંગ્રેસે ભલે અંતર રાખ્યું હોય, પરંતુ પાર્ટીના નિવેદનોમાં આંદોલન પ્રત્યે સમર્થન જોવા મળી રહ્યું છે.
રાહુલ ગાંધી ચેન્નાઈ જવા રવાના
મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ CJPના વિરોધ પ્રદર્શન વચ્ચે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું છે. તેઓ કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓ સાથે છેલ્લા ત્રણ દિવસથી મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગને લઈને વિરોધ કરી રહ્યા હતા. જોકે, 10 ઓક્ટોબરે રાહુલ ગાંધી ચેન્નાઈમાં યોજાનારા ‘વિદ્યાર્થીઓની ગૂંજ’ કાર્યક્રમમાં ભાગ લેવા રવાના થયા હતા.
‘દિલ્હીને કિલ્લામાં ફેરવી દેવાઈ’
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશની રાજધાની દિલ્હીને જાણે કિલ્લામાં ફેરવી દેવામાં આવી હોય તેવી સ્થિતિ છે. શહેરમાં ઠેરઠેર સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
જયરામ રમેશે આક્ષેપ કર્યો કે બંધારણની કલમ 326 હેઠળ મળેલા મતાધિકારને વ્યવસ્થિત રીતે છીનવી લેવાની આશંકાથી ચિંતિત યુવાનોના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનથી વડાપ્રધાન અને ગૃહમંત્રીની જોડી ગભરાઈ ગઈ છે.
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ તેજ
જયરામ રમેશે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની નિમણૂક અને તેમની કામગીરી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે ડિસેમ્બર 2023માં વિપક્ષના 145 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનરને કાયદાકીય રક્ષણ આપતો કાયદો સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટ સમક્ષ ખોટી માહિતી રજૂ કરવાના આક્ષેપોને કારણે મુખ્ય ચૂંટણી કમિશનરનું રાજીનામું નૈતિક જવાબદારી બની જાય છે. જોકે, આ તમામ મુદ્દાઓ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો છે.
SIR પ્રક્રિયા રદ કરવાની માંગ
કોંગ્રેસે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (Special Intensive Revision – SIR)ને રોકવાની પણ માંગ કરી છે. જયરામ રમેશના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયાને કારણે અત્યાર સુધીમાં આશરે 14 કરોડ ભારતીયોના મતાધિકાર પર અસર થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ફરી સ્થાપિત કરવા માટે SIR પ્રક્રિયા રદ કરવી જરૂરી છે.
દરમિયાન, CJPના વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે અને અનેક સ્થળોએથી પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી રહી છે. CJPના સ્થાપક અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને પણ વિમાનમાંથી જ અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

