ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના ગવર્નરનો વધારાનો કાર્યભાર સોંપાયો
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમની

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમની જવાબદારી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના શીરે સોંપી છે. ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ગુરુવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો વધારાનો કાર્યભાર સંભાળવા માટે નિયુક્ત કર્યા છે. આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલની જવાબદારીઓ સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેની ફરજો નિભાવશે. આ નિમણૂક તાત્કાલિક અમલમાં આવશે.
રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાને કારણે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી સી.પી. રાધાકૃષ્ણનના રાજીનામાના પરિણામે ભારતના રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેની ફરજો નિભાવવા માટે નિયુક્ત કર્યા છે, જે તેઓ તેમની હાલની જવાબદારીઓ ઉપરાંત નિભાવશે.
હરિયાણાના પાણીપત જિલ્લાના સમલખા તાલુકામાં જન્મેલા આચાર્ય દેવવ્રત એક અગ્રણી ભારતીય રાજકારણી છે. તેઓ 2019 થી ગુજરાતના 20મા રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. આ પહેલા તેઓ 2015 થી 2019 સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ 67 વર્ષીય સી પી રાધાકૃષ્ણને મંગળવારે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને 152 મતોના માર્જિનથી હરાવ્યા હતા.






