VIDEO: મોદી-RSS વચ્ચે વધતું અંતર! સંઘે 14 વર્ષે જ્ઞાન લીધું?, ખામીઓ દૂર કરવા પર સરકાર પ્રત્યનો કરે
નીટ પેપર લીકના વિરોધમાં જંતર-મંતર પર વિદ્યાર્થીઓ અને યુવાનોના દેખાવોના કારણે મોદી સરકારે પહેલી વખત પીછેહઠ કરતાં સંસદના ચોમાસુ સત્રમાં જ ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું લેવું પડયું હતું. જોકે, આ દેખાવો માત્ર ભ્રષ્ટાચારના કેસો વિરુદ્ધ નહોતા, પરંતુ આ દેખાવો સિસ્ટમની ઘોર નિષ્ફળતાનું પરીણામ હતા તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શુક્રવારે કહ્યું હતું.
ખામીઓ દૂર કરવા પર સરકાર પ્રત્યનો કરે
તેમણે કહ્યું યુવાનોની ચિંતા માત્ર નીટ અથવા કોઈ એક સરકાર સંબંધે નહોતી. શિક્ષણ, રોજગારી અને ઝડપથી બદલાતા સમાજમાં યુવાનોની આકાંક્ષાઓ અંગે પણ સંઘની બેઠકમાં ચર્ચા થઈ હતી. યુવાનો તેમના ભવિષ્ય અંગે ચિંતિત અને વ્યાકુળ છે. તેને સમજવા અને તેનું સમાધાન લાવવાની જરૂર છે. દેશની વિવિધ વ્યવસ્થાઓમાં રહેલી ખામીઓ દૂર કરવા પર સરકારે ધ્યાન આપવું જોઈએ. તેમણે ઉમેર્યું કે વ્યવસ્થામાં સુધારા માત્ર સરકારી પ્રયાસોથી જ નહીં આવે. તેના માટે સામાજિક સહયોગ પણ જરૂરી છે.
તેમણે કહ્યું કે, બેઠકમાં વસતી સંતુલનમાં પરિવર્તન અંગે પણ ચર્ચા થઈ હતી. આજે દેશમાં યુવાનોની વસતી વધુ છે, પરંતુ ભવિષ્યમાં આવી સ્થિતિ નહીં રહે. ભારત હાલ વસતીના અસંતુલનનો સામનો કરી રહ્યું છે. આ સિવાય કેટલાક સમુદાયોની વસતી વધુ ઝડપથી વધી રહી છે જ્યારે કેટલાક સમાજની વસતી ઘટી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સંઘના શતાબ્દિ વર્ષના વૈશ્વિક પહોંચ કાર્યક્રમના ભાગરૂપે અમેરિકા, કેનેડા અને બ્રિટનના પ્રવાસે જશે. તેમના વિદેશ પ્રવાસના ત્રણ મુખ્ય હેતુ છે, જેમાં ભારત, હિન્દુ સમાજ અને સંઘની સાચી અને સકારાત્મક છબી રજૂ કરવી, વસુધૈવ કુટુંબકમનો સંદેશો ફેલાવવો અને ભારતીય મૂળના લોકો તથા હિન્દુઓના હિતો તેમજ અધિકારો મુદ્દે સમાજના મુખ્ય પ્રવાહ સાથે સંવાદ વધારવો છે તેમ સહ સરકાર્યવાહ મુકુંદે જણાવ્યું હતું.

