VIDEO: AI અને ડીપફેક પર સરકાર લાવશે કડક કાયદો! કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ, તેના નિયમન અને શિક્ષણ ક્ષેત્રે તેના અમલીકરણને લઈને મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ટેક્નોલોજીનું લોકશાહીકરણ કરવામાં આવી રહ્યું છે, જેથી સામાન્ય અને વંચિત વર્ગો સુધી AIનો લાભ પહોંચી શકે.
ખેતી, આરોગ્ય અને શિક્ષણમાં AI લાવશે મોટો બદલાવ
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, "સમાજમાં જેટલો વધારે AIનો ઉપયોગ થશે — પછી ભલે તે કૃષિ ક્ષેત્ર હોય, આરોગ્ય સેવા હોય કે શિક્ષણ — તેનાથી એટલો જ મોટો ફાયદો થશે. જે વર્ગો અત્યાર સુધી આધુનિક ટેક્નોલોજીથી વંચિત રહ્યા હતા તેમને AIથી કેવી રીતે સીધો લાભ આપી શકાય, તે અંગે વર્લ્ડ બેંક (World Bank) સાથે મળીને એક વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો છે."
આવતા મહિને આવશે 'AI કન્સલ્ટેશન પેપર': ડીપફેક સામે સખ્તાઈ
ટેક્નોલોજીના દુરુપયોગ અંગે વાત કરતાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આગામી સમયમાં AIનું નિયમન (Regulation) કેવી રીતે કરવું તે અંગેનો નિર્ણય લઈ લેવાયો છે. આવતા મહિને સરકાર દ્વારા AI સેફ્ટી, સાયબર સિક્યોરિટી અને AIના ફાયદા-નુકસાન અંગે એક વિસ્તૃત કન્સલ્ટેશન પેપર બહાર પાડવામાં આવશે. આ પેપરમાં ડીપફેક જેવા ગંભીર જોખમો સામે રક્ષણ મેળવવાના ઉપાયો સામેલ હશે.આ કન્સલ્ટેશન પેપર પર તમામ પક્ષકારોના અભિપ્રાય મેળવ્યા બાદ AI માટેના સત્તાવાર નિયમો ઘડવામાં આવશે.
કૉલેજોના અભ્યાસક્રમમાં AI સામેલ કરવાની તૈયારી
વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય અંગે મંત્રીએ ઉમેર્યું કે, "વિદ્યાર્થીઓ માટે AI-આધારિત અભ્યાસક્રમ (Curriculum) તૈયાર કરવા અંગે ઉદ્યોગ જગત તરફથી ઘણા સૂચનો મળ્યા છે. આ તમામ સૂચનો અમે શિક્ષણ મંત્રાલયને મોકલી આપ્યા છે. શિક્ષણ મંત્રાલય, ઉદ્યોગ જગત અને યુનિવર્સિટીઓ સાથે મળીને કૉલેજના સિલેબસને અપગ્રેડ કરશે, જેથી આજે કૉલેજમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં AI ટેક્નોલોજીનો મહત્તમ લાભ મેળવી શકે."

