VIDEO: "પેપર લીકથી 20 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તોય સરકાર અહંકારી રહી..." જંતર-મંતર પરથી કેજરીવાલના પીએમ મોદી પર આકરા પ્રહારો
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશમાં સતત થઈ રહેલા પેપર લીક અને પરીક્ષાઓમાં ગેરરીતિઓ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર દેશના યુવાનોનો અવાજ નહીં સાંભળે તો આગામી સમયમાં તેણે સત્તા ગુમાવવી પડશે.
પેપર લીક અને વિદ્યાર્થીઓની આત્મહત્યા પર ચિંતા
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, "દેશમાં દિન-પ્રતિદિન સતત પરીક્ષાના પેપરો લીક થઈ રહ્યા છે. પેપરોમાં ગેરરીતિઓ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં મોટી ખામીઓ સામે આવી રહી છે. જ્યારે નીટ (NEET) પરીક્ષાનું પેપર લીક થયું, ત્યારે 20 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. આમ છતાં, સરકારે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી નહીં બને તેવી ખાતરી આપવા માટે કોઈ નક્કર પગલાં લીધા નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે નીટની ઘટના બાદ પણ પેપર લીક થવાનો સિલસિલો ચાલુ રહ્યો અને સીબીએસઈ (CBSE) મૂલ્યાંકન પ્રણાલી સાથે પણ ચેડાં થયા, છતાં જવાબદાર કંપની સામે કોઈ કડક એક્શન લેવાયા નથી.
સોનમ વાંગચુકને શિક્ષણ મંત્રી બનાવવાની માંગ
સરકાર પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યું કે વર્તમાન સરકાર અહંકારમાં ડૂબેલી છે. તેમણે વડાપ્રધાન અને દેશના 140 કરોડ નાગરિકોને અપીલ કરતા કહ્યું કે વર્તમાન શિક્ષણ મંત્રીના સ્થાને પ્રખ્યાત શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને દેશના શિક્ષણ મંત્રી બનાવવામાં આવે. જોકે, તેમણે આશંકા વ્યક્ત કરી કે વડાપ્રધાન આવું ક્યારેય નહીં કરે, કારણ કે તેઓ ડરે છે કે સોનમ વાંગચુક શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી કદમ ઉઠાવી લેશે.
2011 ના આંદોલન અને ઇતિહાસનું આપ્યું ઉદાહરણ
જંતર-મંતર ખાતેથી સરકારને ચેતવણી આપતા આપ નેતાએ ઇતિહાસ યાદ અપાવ્યો હતો. તેમણે કહ્યું, "બહુ અહંકારી ન બનો. તમારી પહેલાંની સરકાર પણ આવી જ અહંકારી હતી. અંગ્રેજીમાં એક કહેવત છે કે 'ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરે છે.' 4 એપ્રિલ 2011ના રોજ આ જ જંતર-મંતર પર અણ્ણા હજારે આંદોલન પર બેઠા હતા અને તેના ત્રણ વર્ષ બાદ તત્કાલીન સરકાર સત્તા પરથી બહાર થઈ ગઈ હતી. જો તમે યુવાનોનો અવાજ નહીં સાંભળો, તો આજથી ત્રણ વર્ષ પછી (2029માં) તમારી સરકાર પણ સત્તા પરથી બહાર ફેંકાઈ જશે."

