VIDEO: દુલ્હનોને સોનાનો સિક્કો, મફત લેપટોપ અને સ્પેશિયલ સ્કૂલ્સ: સીએમ વિજય સરકારનું પ્રથમ બજેટ રજૂ
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર (Superstar)માંથી તમિલનાડુના મુખ્યમંત્રી (Chief Minister) બનેલા થલપતિ વિજય (Thalapathy Vijay)ની તમિળગા વેત્રી કઝગમ (TVK) સરકારે રાજ્યનું પ્રથમ બજેટ (Maiden State Budget) રજૂ કર્યું છે. નાણામંત્રી એન. મેરી વિલ્સને (Finance Minister N. Marie Wilson) વિધાન સભામાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે આ બજેટ રજૂ કરતાં વિજય સરકારે ચૂંટણી સમયે આપેલા વચનો પૂરા કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
સરકારે રાજ્યને ૨૦૩૧ સુધીમાં ૧.૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી ($1.5 Trillion Economy) બનાવવાનું વિઝન પણ રજૂ કર્યું છે. ટીવીકે (TVK) સરકારના પ્રથમ બજેટમાં મહિલાઓ માટે 'સોનાનો સિક્કો અને રેશમી સાડી યોજના' માટે રૂ. ૮૧૨ કરોડનું ફંડ ફાળવવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ ઉપરાંત હજ યાત્રાએ જતાં શ્રદ્ધાળુઓ માટેની સબસિડી પણ વધારી દેવામાં આવી છે.
થલપતિ વિજયે જેન-ઝી (Gen-Z) માટે તિજોરી ખોલી
તમિલનાડુમાં મુખ્યમંત્રી થલપતિ વિજયની સરકારે પોતાના પ્રથમ બજેટમાં જેન-ઝી (યુવા પેઢી) માટે દિલ ખોલીને જાહેરાતો કરી છે. વિજય સરકારે આ બજેટમાં યુવાનો અને મહિલાઓની સાથે-સાથે મુસ્લિમ સમાજને પણ મોટી ભેટ આપી છે. આ પહેલાં વિજયના નેતૃત્વવાળી TVK સરકારે વિધાનસભામાં ભારે હોબાળા વચ્ચે બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય અને વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિન બંને ગૃહમાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ અને ત્યારબાદ થયેલી મુક્તિ પછી તમિલનાડુનું રાજકારણ ગરમાયું હતું.
ગૃહમાં ભારે હંગામા વચ્ચે રાજ્યના નાણામંત્રી એન. મેરી વિલ્સને TVK સરકારનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટનો મુખ્ય ફોકસ યુવાનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ પર રહ્યો છે. વિજય સરકારે રાજ્યને ૧૦ લાખ કરોડ રૂપિયાના દેવાના આર્થિક સંકટમાંથી બહાર લાવવાનો દાવો કરવાની સાથે યુવાનો અને મહિલાઓ માટે ઘણી ઐતિહાસિક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે.
Gen-Z અને વિદ્યાર્થીઓ માટે બજેટમાં શું-શું છે?
યુવાનો અને વિદ્યાર્થીઓને આકર્ષવા માટે TVK સરકારે બજેટમાં મોટી જાહેરાતો કરી છે. 'વેત્રી મણિકણિની થીટ્ટમ' હેઠળ કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે લેપટોપ યોજના શરૂ કરવામાં આવશે, જેના માટે રૂ. ૨,૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓને સાયકલ આપવાની જાહેરાત કરાઈ છે, જે માટે રૂ. ૨૭૭ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે પૂર્વ મુખ્યમંત્રી કે. કામરાજના નામે સરકારી નિવાસી શાળાઓ (Residental Schools) બનાવવામાં આવશે, જે માટે રૂ. ૧૨૫ કરોડ આપવામાં આવ્યા છે.
શાળાઓનું આધુનિકીકરણ પણ કરવામાં આવશે. 'પલ્લી નિરાવુ થીટ્ટમ' યોજના હેઠળ સરકારી શાળાઓના આધુનિકીકરણ માટે રૂ. ૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે યુવાનોને નશાની લતથી બચાવવા માટે રૂ. ૭ કરોડના ખર્ચે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે.
વિજય સરકારે આ દરમિયાન ફરી એકવાર દોહરાવ્યું કે નીટ (NEET) પરીક્ષા રદ કરવામાં આવે. સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે નીટ રદ કરીને ૧૨મા ધોરણના ગુણના આધારે મેડિકલ પ્રવેશની જૂની વ્યવસ્થા ફરી લાગુ કરવામાં આવે.
મહિલાઓને 'ગોલ્ડન' ભેટ
બજેટમાં TVK સરકારે ચૂંટણીમાં કરેલા પોતાના વચનો પૂરા કરતા મહિલાઓ અને નવજાત બાળકો માટે રૂ. ૧,૩૦૦ કરોડથી વધુની ગોલ્ડ અસિસ્ટન્સ (Gold Assistance) યોજનાઓની જાહેરાત કરી છે. લગ્ન દરમિયાન મહિલા લાભાર્થીઓને ૮ ગ્રામ સોનાનો સિક્કો અને એક સિલ્ક સાડી આપવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તો સરકારી હોસ્પિટલોમાં જન્મ લેતાં નવજાત બાળકોને સોનાની વીંટી આપવાની યોજના માટે રૂ. ૫૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
TVK સરકારની અન્ય કેટલીક મોટી જાહેરાતો:
-
મુસ્લિમ સમાજને ભેટ: પ્રથમ વખત હજ યાત્રા પર જતા યાત્રાળુઓની સબસિડી ૨૫,૦૦૦ થી વધારીને ૩૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે.
-
૨૦૦ યુનિટ મફત વીજળી: ઘરગથ્થુ વપરાશકારો માટે ૨૦૦ યુનિટ મફત વીજળી આપવાના વચનને બજેટમાં પુનરાવર્તિત કરવામાં આવ્યું છે.
-
દારૂની દુકાનો બંધ: સરકારે ૭૧૭ દારૂની દુકાનો બંધ કરવાની જાહેરાત કરી છે.
-
ટેન્ડરોમાં કમિશનખોરી પર લગામ: નાણામંત્રીએ જણાવ્યું કે સીએમ વિજયે ટેન્ડરોમાં અમુક ચોક્કસ પક્ષો અને વ્યક્તિઓને મળતી "કટ" (કમિશન) પ્રથા બંધ કરીને એક મોટી સિદ્ધિ મેળવી છે.

