ધાર-ઉજ્જૈન હાઇવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલ મંદિરેથી પરત ફરતા વડોદરાના 6 યુવકોના મોત

ધાર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર રવિવારે(9 ઓગસ્ટ) બપોરે 1 વાગ્યાની આસપાસ પંચકવસા ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટનામાં ગુજરાતના વડોદરાના છ યુવાનોના મોત નીપજ્યા છે. યુવકો ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના દર્શન કરીને કારમાં ગુજરાત પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
હાઈવે પર રોંગ સાઈડ આવતી ટ્રક સાથે ભયાનક અકસ્માત
પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસની માહિતી અનુસાર, બદનાવર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર રોંગ સાઈડમાં લોખંડના સામાનથી ભરેલી ટ્રક ઉજ્જૈન તરફ ઝડપથી આગળ વધી રહી હતી. આ દરમિયાન ગુજરાતના વડોદરાના યુવકની કાર ટ્રક સાથે જોરદાર ટકરાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેમાં રહેલા 6 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક તંત્ર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. સ્થાનિક ગ્રામજનો અને પોલીસે સાથે મળીને કારનો કાચ તોડીને ભારે પ્રયાસ બાદ મૃતક યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જેમાં ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને વાહનમાંથી બહાર કાઢીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા બદનાવરના સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યારે મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલના મોકલવામાં આવ્યા હતા.
મૃતકના પરિવારજનોને જાણ કરાઈ
પોલીસે મૃતકોની ઓળખ કરી લીધી છે અને ગુજરાતમાં તેમના પરિવારોને અકસ્માત અંગે જાણ કરી દીધી છે. જ્યારે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગંભીર અકસ્માતને કારણે ફોર-લેન હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક ખોરવાયો હતો, પરંતુ પોલીસે સ્થળે પહોંચીને ટ્રાફિકનો પ્રવાહ પૂર્વવત કર્યો હતો.

