મથુરામાં બાંકે બિહારી મંદિર નજીક મકાનની ગેલેરી તૂટી, 4થી 6 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ

મથુરાના વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિર નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગેટ નંબર 5 પાસે આવેલી ગલીમાં એક જૂના મકાનની ગેલેરી અચાનક તૂટી પડતાં દર્શનાર્થે આવેલા 4થી 6 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતને પગલે ગલીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને તમામ ઇજાગ્રસ્તોને વૃંદાવનની નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
વાંદરાઓનો ભારે જમાવડો બન્યો આફત
મળતી વિગતો મુજબ, અકસ્માતનો ભોગ બનેલી આ ગેલેરી ઘણાં લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી. આ ખખડધજ ગેલેરી ઉપર મોટી સંખ્યામાં વાંદરાઓનો જમાવડો થયો હતો. વાંદરાઓના અતિશય વજનને કારણે જર્જરિત ગેલેરી વજન સહન ન થતાં અચાનક ધડામ દઈને તૂટી પડી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર જે સમયે આ દુર્ઘટના ઘટી, તે સમયે મંદિર તરફ જતા અને દર્શન કરીને પાછા ફરતા ભક્તોની અવરજવર ચાલુ હતી. ગેલેરીનો ભાગ સીધો નીચેથી પસાર થતા ભક્તો પર જ પડ્યો હતો.
હાલમાં પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને હોસ્પિટલમાં દાખલ ઘાયલ શ્રદ્ધાળુઓની યોગ્ય સારવાર થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

