VIDEO: દિલ્હીમાં પાણી અને ગટરની સમસ્યા પર પૂર્ણવિરામ! ₹ 2500 કરોડના મેગા પ્રોજેક્ટની મોટી જાહેરાત
દિલ્હી સરકાર દ્વારા પાટનગરની વર્ષો જૂની ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠાની ગંભીર સમસ્યાઓના કાયમી ઉકેલ માટે મોટા પાયે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પહેલ અંગે જણાવતાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્ર સરકારના સહયોગથી દિલ્હીના જટિલ પ્રશ્નોનું વ્યવસ્થિત પ્લાનિંગ સાથે નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે.
દિલ્હીની પરિસ્થિતિ અંગે જણાવતાં તેમણે નોંધ્યું કે, પાટનગરની અડધી વસ્તી વોટર કનેક્શન વિના રહેતી હતી અને લોકો 50 વર્ષ જૂની ક્ષતિગ્રસ્ત ગટર લાઈનોની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આ પાયાની સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા રૂપિયા 2,500 કરોડની લોન મંજૂર કરવામાં આવી છે.
આ ભંડોળ અંતર્ગત દિલ્હી જલ બોર્ડ દ્વારા વજીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) ખાતે પાણી પુરવઠા સુધારણાના ‘પેકેજ-1’ માટે ₹ 805 કરોડ અને ‘પેકેજ-૨’ કમાન્ડ એરિયાના કામો માટે ₹૯૩૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, અર્બન ચેલેન્જ ફંડ હેઠળ વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે, જેમાં કેન્દ્ર સરકાર ૨૫% અને રાજ્ય સરકાર ૨૫% રકમ ફાળવશે, જ્યારે બાકીના 50 ટકા ભંડોળની વ્યવસ્થા જલ બોર્ડ માર્કેટ લોન દ્વારા કરશે. આ યોજના હેઠળ શહેરમાં અંડરગ્રાઉન્ડ રિઝર્વોયર્સ (UGR)નું નિર્માણ, નવી વોટર પાઈપલાઈન નેટવર્કની સ્થાપના અને વ્યાપક DMA મીટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

