Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fugitive Nirav Modi loses ₹100 crore case against Bank of India in London court

લંડન કોર્ટમાં ભાગેડુ નીરવ મોદીને મોટો આંચકો: બેંક ઓફ ઇન્ડિયા સામે ₹100 કરોડનો કેસ હાર્યો

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
લંડન કોર્ટમાં ભાગેડુ નીરવ મોદીને મોટો આંચકો: બેંક ઓફ ઇન્ડિયા સામે ₹100 કરોડનો કેસ હાર્યો
સોર્સ : gstv

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને ભારતના ભગોડા હીરા વેપારી નીરવ મોદીને લંડન હાઇકોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. લંડનની સર્કિટ કોમર્શિયલ કોર્ટના જજ સાયમન ટિંકલરે મંગળવારે પબ્લિક સેક્ટરની બેંક ઓફ ઇન્ડિયાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. બેંક ઓફ ઇન્ડિયાએ લંડન કોર્ટમાં નીરવ મોદી વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો કેસ જીતી લીધો છે. અદાલતે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે નીરવ મોદી પર બેંકની આ રકમ બાકી નીકળે છે અને તેણે આ નાણાં ચૂકવવા જ પડશે.

App Store

પર્સનલ ગેરંટી હેઠળ ચૂકવણી કરવાનો કોર્ટનો આદેશ

ચુકાદો સંભળાવતા જજ સાયમન ટિંકલરે જણાવ્યું હતું કે, 'નીરવ મોદી બેંકને આપવામાં આવેલી પર્સનલ ગેરંટી હેઠળ ૪.૧ મિલિયન ડોલર (આશરે ૩૮.૯ કરોડ રૂપિયા) ની મૂળ રકમ ચૂકવવા માટે જવાબદાર છે. આ રકમ પર બેંકના નિયમો અનુસાર ગણતરી કરાયેલું વ્યાજ પણ ઉમેરવામાં આવશે.' કોર્ટે નોંધ્યું હતું કે નીરવ મોદી પોતાની બચાવમાં એવો કોઈ મજબૂત પુરાવો રજૂ કરી શક્યો નથી. જેનાથી સાબિત થાય કે બેંક આ રકમ મેળવવા માટે હકદાર નથી. હાલમાં ભારત પ્રત્યાર્પણ સામે લંડનની જેલમાં કાનૂની લડાઈ લડી રહેલા નીરવ મોદીએ દલીલ કરી હતી કે આ ગેરંટી લાગુ કરવા યોગ્ય નહોતી, પરંતુ કોર્ટે તેની તમામ દલીલો ફગાવી દીધી છે.

દુબઈની કંપની માટે લીધી હતી લોન

આ વિવાદની વિગત એવી છે કે બેંક ઓફ ઇન્ડિયાએ જુલાઈ ૨૦૧૨ માં દુબઈમાં આવેલી નીરવ મોદીની કંપની 'ફાયરસ્ટાર ડાયમંડ FZE' ને લોન આપી હતી. આ લોન પેટે નીરવ મોદીએ ૩ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ પર્સનલ ગેરંટી આપી હતી. વર્ષ ૨૦૧૮ ની શરૂઆતમાં જ્યારે પંજાબ નેશનલ બેંક સાથે નીરવ મોદીએ આચરેલા હજારો કરોડના મહાકૌભાંડના સમાચાર સામે આવ્યા, ત્યારે બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની લોન પરત માંગવાનો નિર્ણય કર્યો હતો. માર્ચ અને એપ્રિલ ૨૦૧૮ માં કંપની અને નીરવ મોદીને નોટિસો મોકલવા છતાં કોઈ જવાબ ન મળતા આખરે બેંકે કાનૂની માર્ગ અપનાવ્યો હતો.

શું છે સમગ્ર પીએનબી કૌભાંડ?

નીરવ મોદી ભારતભરમાં ચર્ચાસ્પદ બનેલા પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે, જે દેશના ઇતિહાસના સૌથી મોટા બેંકિંગ કૌભાંડોમાંનું એક છે. હીરાના વેપારી નીરવ મોદી પર આરોપ છે કે તેણે ૨૦૧૧ થી ૨૦૧૮ દરમિયાન પીએનબી બેંકના કેટલાક કર્મચારીઓની મિલીભગતથી બોગસ લેટર ઓફ અંડરટેકિંગ (LoU) જાહેર કરાવ્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે વિદેશી બેંકોમાંથી હજારો કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. ૨૦૧૮ માં જ્યારે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું ત્યારે તેની અંદાજિત રકમ આશરે ૧૩,૦૦૦ કરોડ રૂપિયા હતી. કૌભાંડ બહાર આવતા જ નીરવ મોદી ભારત છોડીને વિદેશ ભાગી ગયો હતો અને ભારત સરકાર અત્યારે તેને બ્રિટનથી પ્રત્યાર્પણ કરીને સ્વદેશ લાવવાના સઘન પ્રયાસો કરી રહી છે.