VIDEO:'રાત્રે 8 વાગ્યે ફાઇલ સાઇન કરવાનો દાવો, હવે E20 સાથે લેવાદેવા નથી!', નીતિન ગડકરીના નિવેદનથી રાજકીય અસમંજસ
Nitin Gadkari on E20 | કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશમાં ઇથેનોલ, ફ્લેક્સ-ફ્યુઅલ અને વૈકલ્પિક ઇંધણના સૌથી મોટા સમર્થક રહ્યા છે. તેમણે અનેક મંચો પરથી ઇથેનોલ ઇંધણની હિમાયત કરી છે અને તાજેતરમાં જ કહ્યું હતું કે તેમણે રાત્રે 8 વાગ્યે E100 (100% ઇથેનોલ) ફ્યુઅલ સાથે જોડાયેલી ફાઇલ પર સાઇન કરી છે. જોકે, બોમ્બે હાઇકોર્ટમાં રજૂ કરેલી 86 પાનાની અરજીમાં તેમના પક્ષે જણાવાયું કે "E20 કે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ (EBP) સાથે તેમને કશી લેવાદેવા નથી". આ બંને નિવેદનોના કારણે ભારે વિવાદ અને અસમંજસ ઊભી થઈ છે.
ગડકરી હાઇકોર્ટમાં કેમ ગયા?
સોશિયલ મીડિયા પર ફેક અને AI-જનરેટેડ વીડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે નીતિન ગડકરી અને તેમના પરિવારને E20 નીતિથી આર્થિક લાભ થઈ રહ્યો છે. આ બદનક્ષી સામે ગડકરીએ મેટા, એક્સ, ગૂગલ, યૂટ્યૂબ સહિતના પ્લેટફોર્મ સામે બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી રૂ. 11 કરોડના વળતરની માંગ કરી છે. અરજીમાં તેમણે સ્પષ્ટ કર્યું કે E20 નીતિ બનાવવામાં કે લાગુ કરવામાં તેમની કોઈ વહીવટી ભૂમિકા નથી અને તે તેમના મંત્રાલય હેઠળ આવતી નથી.
પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાનો અધિકાર કોની પાસે છે?
આ મુદ્દાને સમજવા માટે બંને મંત્રાલયોની અલગ-અલગ જવાબદારીઓ જાણવી જરૂરી છે:
પેટ્રોલિયમ અને નૈસર્ગિક ગેસ મંત્રાલય (MoPNG): ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ (EBP) નું નોડલ મંત્રાલય પેટ્રોલિયમ મંત્રાલય છે. પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ મિક્સ કરવું (જેમ કે E10, E20) અને તેની ખરીદી કેવી રીતે કરવી તે નક્કી કરવાનો નીતિગત અધિકાર આ જ મંત્રાલય પાસે છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય: નીતિન ગડકરીના મંત્રાલયનું કામ ઇંધણનું બ્લેન્ડિંગ નક્કી કરવાનું નથી, પરંતુ તે ઇંધણ પર ચાલતા વાહનો માટે ટેકનિકલ નિયમો (CMVR) બનાવવાનું અને વાહન ઉત્પાદકોને મંજૂરી આપવાનું છે.
આમ, ગડકરીનું કોર્ટમાં આપેલું નિવેદન વહીવટી દ્રષ્ટિએ સાચું છે કે E20 નીતિ પેટ્રોલિયમ મંત્રાલયની છે, જ્યારે ફાઇલ સાઇન કરવાનો દાવો વાહનોના ટેકનિકલ નિયમોને મંજૂરી આપવા સાથે જોડાયેલો છે.
E20 પેટ્રોલે વધાર્યો વિરોધ
છેલ્લા કેટલાક સમયથી E20 પેટ્રોલમાં માઇલેજ ઘટવા અને જૂના વાહનોના એન્જિનને નુકસાન પહોંચવાના દાવા સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ દરમિયાન પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને નીતિન ગડકરીએ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો લોંચ કર્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે E20 થી માઇલેજમાં નજીવો ઘટાડો થઈ શકે છે પરંતુ તે વાહનો માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

