VIDEO: વૈષ્ણો દેવી જતા યાત્રિકો માટેના હેલિપેડ ટર્મિનલ પર આગ લાગી, ટિકિટ કાઉન્ટર પણ આગમાં ખાક
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાની ત્રિકુટા પહાડીઓમાં આવેલા માતા વૈષ્ણો દેવીના મંદિરની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ માટેના બેઝ કેમ્પ એવા કટરામાં, રવિવારે વહેલી સવારે હેલિપેડ ટર્મિનલમાં આગ લાગી હતી. આ ઘટનામાં ટર્મિનલના એક ભાગને નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ઘટના સમયે હેલિપેડ ટર્મિનલ બંધ હતું
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ સવારે લગભગ ૩:૧૫ વાગ્યે લાગી હતી. પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા છે. ઘટના સમયે હેલિપેડ ટર્મિનલ બંધ હતું. આગની જાણ થતાં જ સ્ટાફ, સુરક્ષાકર્મીઓ અને ફાયર તથા ઈમરજન્સી સેવાઓની ટીમોએ સંયુક્ત રીતે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. લગભગ ૩૦ મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ટિકિટ કાઉન્ટર આગની ઝપેટમાં
અધિકારીઓએ જણાવ્યું હતું કે ટિકિટ કાઉન્ટર પર રાખવામાં આવેલા કમ્પ્યુટર્સ અને એક દુકાન આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. ટર્મિનલને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કટરામાં આવેલું આ હેલિપેડ ટર્મિનલ માતા વૈષ્ણો દેવીના મંદિરની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ માટે હવાઈ મુસાફરીની સુવિધા પૂરી પાડતું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. આ ઘટના બાદ સુરક્ષા અને અગ્નિ સુરક્ષા વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

