VIDEO: લુધિયાણામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
પંજાબના લુધિયાણામાં વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભારત-અમેરિકા મુક્ત વેપાર કરાર, રાજ્ય સરકારની લેન્ડ પૂલિંગ પોલિસી અને હાઈવે પર વધતા ટોલ પ્લાઝા વિરુદ્ધ વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે વિદેશી વેપાર કરારોથી સ્થાનિક કૃષિ બજારને મોટું નુકસાન થશે અને ખેડૂતો આર્થિક સંકટમાં મુકાશે. આ સાથે જ પંજાબ સરકારની જમીન સંપાદન નીતિને ખેડૂત વિરોધી ગણાવીને તેમાં તાકીદે સુધારા કરવાની માંગ કરવામાં આવી હતી. આક્રોશિત ખેડૂતોએ ટોલ પ્લાઝા પર ધરણા કરીને વાહનો માટે મુક્ત અવરજવર કરાવી દીધી હતી અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂત નેતાઓએ ચેતવણી આપી છે કે જો તેમની ન્યાયિક માંગણીઓ પર સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર પંજાબમાં રેલ રોકો અને હાઈવે જામ જેવા આંદોલનો વધુ તેજ કરવામાં આવશે.

