વિકાસની આંધળી દોટથી પર્યાવરણને ભારે નુકસાન; 177 દેશોની યાદીમાં ભારતનું સ્થાન ચિંતાજનક, યુરોપિયન દેશોનું શ્રેષ્ઠ પ્રદર્શન

આજના ઝડપથી બદલાતા યુગમાં આર્થિક પ્રગતિની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવું એ વિશ્વના તમામ દેશો માટે સૌથી મોટો પડકાર બની ગયું છે. તાજેતરમાં જાહેર થયેલા પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક (Environmental Performance Index - EPI) 2026 ના અહેવાલે વૈશ્વિક સ્તરે પર્યાવરણીય સ્વાસ્થ્ય અને આબોહવા પરિવર્તન અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી છે. યેલ યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા તૈયાર કરાયેલા આ સૂચકાંકમાં 177 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં એક તરફ યુરોપિયન દેશોએ ઉચ્ચ ક્રમાંક મેળવીને ઊર્જા ક્ષેત્રે શ્રેષ્ઠતા સાબિત કરી છે, તો બીજી તરફ ભારત અને લાઓસ જેવા દેશો લિસ્ટમાં સૌથી નીચલા ક્રમે રહ્યા છે.
EPI શું છે અને તેનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે?
EPI એ ડેટા-આધારિત વૈશ્વિક બેન્ચમાર્ક છે, જે વર્ષ 2000માં શરૂ કરાયો હતો અને ત્યારથી દર 2 વર્ષે પ્રકાશિત થાય છે. આ અહેવાલ યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને પેરિસ આબોહવા કરારના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં દેશો કેટલા નજીક છે તે માપે છે.
EPI 2026ના અહેવાલમાં 177 દેશોનું મૂલ્યાંકન 12 મુખ્ય મુદ્દાઓ સાથે જોડાયેલા 47 પર્યાવરણીય સૂચકાંકોના આધારે કરવામાં આવ્યું છે. આ સૂચકાંકોને 3 મુખ્ય ઉદ્દેશ્યોમાં વહેંચવામાં આવ્યા છે.
ઇકોસિસ્ટમ જીવનશક્તિ (Ecosystem Vitality): કુલ સ્કોરમાં 45% યોગદાન, જેમાં વૃક્ષોનું રક્ષણ, જંતુનાશક પ્રદૂષણના જોખમો, મત્સ્યઉદ્યોગ અને જૈવવિવિધતા શામેલ છે.
આબોહવા પરિવર્તન શમન (Climate Change Mitigation): કુલ સ્કોરમાં 30% યોગદાન, જેમાં ગ્રીનહાઉસ ગેસ અને કાર્બન ઉત્સર્જનનો દર શામેલ છે.
પર્યાવરણીય સ્વાસ્થ્ય (Environmental Health): કુલ સ્કોરમાં 25% યોગદાન, જેમાં હવાની ગુણવત્તા, પીવાનું સ્વચ્છ પાણી અને સૂક્ષ્મ કણોનું પ્રમાણ શામેલ છે.
EPI 2026માં ભારતનું ચિંતાજનક પ્રદર્શન
EPI 2026 માં ભારતનો એકંદર સ્કોર 100 માંથી માત્ર 22.46 રહ્યો છે, જેના કારણે ભારત 176મા ક્રમે (છેલ્લેથી બીજા ક્રમે) છે. લાઓસ 21.78 ના સ્કોર સાથે 177મા ક્રમે સૌથી છેલ્લે છે. દક્ષિણ એશિયાના 8 દેશોમાં પણ ભારત 7મા સ્થાને, સૌથી નીચલા ક્રમે આવે છે. મુખ્ય ક્ષેત્રોમાં ભારતનો સ્કોર અને રેન્કિંગ જોઈએ.
પર્યાવરણીય સ્વાસ્થ્ય (Environmental Health): 174મો ક્રમ
ઇકોસિસ્ટમ જીવનશક્તિ (Ecosystem Vitality): 171મો ક્રમ
કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા (Waste Management & Sanitation): 141મો ક્રમ
આબોહવા પરિવર્તન નીતિ (Climate Change Policy): 130મો ક્રમ
ભારતને નડતા પરિબળ કયા?
પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતમાં માથાદીઠ કાર્બન ઉત્સર્જન ઓછું છે, પરંતુ અન્ય ચાર કારણોસર ભારત આ મુદ્દે પાછળ રહી જાય છે. ભારતના નીચા સ્કોર માટે મુખ્ય જવાબદાર પરિબળો નીચે મુજબ છે.
ઝડપથી વધી રહેલું શહેરી વાયુ પ્રદૂષણ
ઊર્જા માટે કોલસા પરની નિર્ભરતા
જૈવવિવિધતામાં ઘટાડો (ઉદાહરણઃ ભારતમાં વધુ પડતી માછલીઓ પકડવામાં આવે છે)
દરિયાઈ વિસ્તારની નબળી સુરક્ષા
ગ્રાઉન્ડ રિયાલિટી વિરુદ્ધ પદ્ધતિ (Methodology) પર વિવાદ
ભારતના નીચા રેન્કિંગને લઈને બે અલગ-અલગ દૃષ્ટિકોણ સામે આવ્યા છે.
પર્યાવરણ મંત્રાલય અને આર્થિક નિષ્ણાતોનો પક્ષ
ભૂતકાળમાં (2022માં) જ્યારે ભારત 180મા ક્રમે હતું ત્યારે ભારત સરકારે આ રેન્કિંગને ‘અવૈજ્ઞાનિક અને અંદાજો પર આધારિત’ ગણાવીને એનો અસ્વીકાર કર્યો હતો.
નિષ્ણાતોનું કહેવું છે કે, આ સૂચકાંક ભારતની વિશાળ વસ્તી, વસ્તી ગીચતા અને વિકાસશીલ દેશ હોવાની વાસ્તવિકતાઓને ધ્યાનમાં લેતો નથી. પશ્ચિમી દેશોના ઐતિહાસિક ઉત્સર્જન (Historical Emissions) ને બદલે માત્ર વર્તમાન સ્નેપશોટ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારત જેવા દેશોને નુકસાન થાય છે.
પર્યાવરણીય સંશોધકો અને ગ્રીન એક્ટિવિસ્ટ્સનો પક્ષ
યેલ યુનિવર્સિટીના સંશોધકો સ્પષ્ટ કરે છે કે EPI દેશોના ભવિષ્યના દાવા કે ભૂતકાળના ઉત્સર્જનને બદલે 'વર્તમાન પરિસ્થિતિ'ને માપે છે. પ્રદૂષણ ઘટાડવા માટે ભારતે 2019માં ‘રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ’ (NCAP - National Clean Air Programme) શરૂ કર્યો હતો અને એ માટે અત્યાર સુધીમાં 16,423 કરોડ ખર્ચ્યા હોવા છતાં હવાની ગુણવત્તામાં ભારત 0.15 પોઈન્ટ નીચે ગયું છે.
પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંક (EPI) 2026: ટોપ-10 દેશો
ઇસ્ટોનિયાએ અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડીને નવીનીકરણીય ઊર્જા (Renewable Energy) માં મજબૂત પ્રગતિ કરીને વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ટોચના 10 દેશોમાં તમામ યુરોપના છે.
ક્રમાંક દેશ EPI સ્કોર
1 ઇસ્ટોનિયા 74.79
2 લક્ઝમબર્ગ 72.40
3 યુનાઇટેડ કિંગડમ 71.30
4 ફિનલેન્ડ 71.00
5 નેધરલેન્ડ 70.80
6 જર્મની 70.10
7 ફ્રાન્સ 69.50
8 નોર્વે 69.10
9 સ્વીડન 68.80
10 ઑસ્ટ્રિયા 68.50
ભારત માટે 'વેક-અપ કૉલ'
આ અહેવાલ ભારત માટે 'વેક-અપ કૉલ' છે. ભલે EPI ની પદ્ધતિ અને માપદંડો અંગે ચર્ચાઓ થતી રહે, પરંતુ જમીની વાસ્તવિકતા એ છે કે વાયુ પ્રદૂષણ, જૈવવિવિધતાનું સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં ભારતે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. શહેરોમાં ઝેરી હવા, જંગલોનો વિનાશ અને પ્રદૂષણને આર્થિક વિકાસના નામે સ્વીકારી શકાય નહીં. ભારતે ‘પહેલાં વિકાસ કરો, પછી સફાઈ કરો’ ના બદલે ટકાઉ વિકાસનું મોડેલ અપનાવવું પડશે. જો ભારત આર્થિક પ્રગતિની સાથે સાથે પર્યાવરણીય નીતિઓનું સખત અમલીકરણ કરશે, તો જ આવનારી પેઢીઓ માટે એક સ્વચ્છ, સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યનું નિર્માણ થઈ શકશે.

