VIDEO: ઇથેનોલ ઇંધણ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ? કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કર્યો ખુલાસો
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈથેનોલ મિશ્રિત ઇંધણ(E20)ને લઈને થઈ રહેલી ટીકાઓને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, E20 પેટ્રોલ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરાયેલું, સુરક્ષિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત ઇંધણ છે. તેમણે આરોપ કર્યો હતો કે E85 ઇંધણ માટે અનુકૂળ વાહનોની શરૂઆત પછી ઈથેનોલ મિશ્રિત ઇંધણ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન તેજ થઈ ગયું છે.
ભારતમાં ઈથેનોલ ઇંધણનો સફળ ઉપયોગ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં મંત્રીએ જણાવ્યું કે, ભારતમાં એપ્રિલ 2023 થી E15, એપ્રિલ 2024 થી E19 અને એપ્રિલ 2025 થી E20 ઇંધણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આટલા મોટા પાયે તેના ઉપયોગ છતાં કોઈ મોટી સમસ્યા સામે આવી નથી. દેશમાં 20 કરોડથી વધુ ટુ-વ્હીલર અને 20 લાખથી વધુ ફોર-વ્હીલર ઘણા વર્ષોથી સફળતાપૂર્વક E20 ઇંધણ પર ચાલી રહ્યા છે. આમ છતાં, અચાનક ઈથેનોલ મિશ્રણ વિરુદ્ધ અભિયાન તેજ થઈ ગયું છે.
E85 ઇંધણના લોન્ચિંગ બાદ ટીકાઓ વધી
તેમણે દાવો કર્યો હતો કે 5 જૂનના રોજ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે E85 ઇંધણ લોન્ચ કરવામાં આવ્યા બાદ આ પ્રકારની ટીકાઓ વધવા લાગી છે. તેમણે આ પગલાંને ભારતની આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું હતું.
ઈથેનોલ વિરુદ્ધ ડર ફેલાવવાની પેટર્ન
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ પણ કહ્યું કે, જો સમય અને ઘટનાક્રમને ધ્યાનથી જોવામાં આવે તો આ પેટર્નને નજરઅંદાજ કરવી મુશ્કેલ છે. E85 અનુકૂળ વાહનોની શરૂઆત થયાના તરત જ બાદ ઈથેનોલ મિશ્રિત ઇંધણને લઈને ડર ફેલાવવાનો પ્રયાસ શરૂ થઈ ગયો. ભારત પોતાની જરૂરિયાતનું 85 ટકાથી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને વૈશ્વિક ક્રૂડની માંગમાં થનારા વધારાનો અંદાજે 30 ટકા હિસ્સો ભારતમાંથી આવે છે. આવી સ્થિતિમાં દેશની ઊર્જા સુરક્ષા માટે વૈકલ્પિક સ્થાનિક ઇંધણનો વિસ્તાર ખૂબ જ જરૂરી છે.
દેશ અને ખેડૂતો માટે ઈથેનોલના ફાયદા
મંત્રીએ આગળ ઉમેર્યું કે, 'પેટ્રોલમાં ભેળવવામાં આવતું પ્રતિ લીટર ઈથેનોલ ક્રૂડ ઓઇલની આયાત ઘટાડે છે, ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવે છે, વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે, ખેડૂતોની આવક વધારે છે અને વિદેશી હૂંડિયામણની બચત કરે છે'. કેન્દ્રીય મંત્રીએ E20 ને વ્યાપક રીતે પરીક્ષણ કરાયેલું, વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય અને સંપૂર્ણ સુરક્ષિત ઇંધણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઈથેનોલ બ્લેન્ડિંગ (મિશ્રણ) પ્રોગ્રામે દેશના 'અન્નદાતા' ખેડૂતોને 'ઊર્જાદાતા' બનાવવાનું કામ કર્યું છે, કારણ કે તેનાથી ખેડૂતોને આવકનો એક વધારાનો સ્ત્રોત મળ્યો છે.
વૈશ્વિક જોખમો સામે ભારત મજબૂત બનશે
તેમણે એ પણ જણાવ્યું કે ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામની શરૂઆત અગાઉની કોંગ્રેસ સરકારના સમયગાળા દરમિયાન થઈ હતી. આવી સ્થિતિમાં હવે તેના ઝડપી વિસ્તારનો વિરોધ રાજકીય કારણોથી પ્રેરિત હોય તેવું લાગે છે. હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર, આ પ્રોગ્રામ માત્ર ભારતની આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા જ નથી ઘટાડતો, પરંતુ દેશને ભૂ-રાજકીય તણાવ અને વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતોમાં થતી અસ્થિરતાથી થનારા જોખમો સામે પણ વધુ મજબૂત બનાવે છે.

