Video: "દેશમાં આગ લગાવી વિયેતનામ ભાગી ગયા?": નિશિકાંત દુબેનો રાહુલ ગાંધી પર સણસણતો આરોપ

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીમાં વિરોધ પ્રદર્શનોના નામે થયેલા હોબાળા, રાષ્ટ્રધ્વજ તિરંગાના અનાદર અને રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસોના હેતુઓ અંગે દુબેએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
દુમકા ખાતે નિવેદન આપતાં નિશિકાંત દુબેએ જણાવ્યું કે, "છેલ્લા 10–15 દિવસથી દિલ્હીમાં એવો માહોલ ઊભો કરવામાં આવ્યો જાણે ત્યાં કોઈ કાયદો કે નિયમ અસ્તિત્વમાં જ ન હોય. વિરોધ પક્ષના નેતા લંચ કે ડિનર માટે બહાર નીકળે અને સીધા કોઈ જગ્યાએ જઈને ધરણા પર બેસી જાય છે. જે લોકોએ કદાચ જીવનમાં ક્યારેય તિરંગો ફરકાવ્યો નહીં હોય, તેઓ આ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લઈને પહોંચી રહ્યા હતા. જે રીતે તિરંગાનો ઉપયોગ કરવામાં આવ્યો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમના મનમાં રાષ્ટ્રધ્વજની ગરિમા પ્રત્યે કોઈ સન્માન નહોતું."
રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર નિશાન સાધતાં તેમણે દાવો કર્યો કે, "છેલ્લા 10 વર્ષમાં રાહુલ ગાંધીએ 270 વખત વિદેશ પ્રવાસ કર્યો છે. હવે અહીં સામાન્ય જનતા અને યુવાનોને ભડકાવ્યા બાદ તેઓ તાત્કાલિક વિયેતનામ રવાના થઈ ગયા છે. તેઓ વિયેતનામ કે અન્ય દેશોમાં શા માટે જાય છે અને ત્યાં કોને મળે છે તે મોટો પ્રશ્ન છે."
અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીની મુલાકાતો પર ગંભીર આક્ષેપ કરતાં ભાજપ સાંસદે પૂછ્યું, "અમેરિકામાં તેઓ સતત ઈલ્હાન ઓમર અને રો ખન્ના જેવા નેતાઓને મળતા રહ્યા છે. ઈલ્હાન ઓમર એવી જનપ્રતિનિધિ છે જેણે પાકિસ્તાન જઈને કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ છે. હાલમાં ટ્રમ્પ વહીવટીતંત્ર ઈલ્હાન ઓમરના પરિવાર પર દરોડા પાડી રહ્યું છે. મારો રાહુલ ગાંધીને સીધો સવાલ છે કે તેઓ કોના નિર્દેશ કે ઈશારા પર ઈલ્હાન ઓમરને મળ્યા હતા?"






