ગોવામાં ગેરકાયદેસર આયર્ન ઓર ખાણકામના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મોટી કાર્યવાહી, સાલગાંવકર ગ્રુપની હજાર કરોડની સંપતી જપ્ત

ગોવામાં ગેરકાયદેસર આયર્ન ઓર ખાણકામના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. ED એ સાલગાંવકર ગ્રુપ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓની ₹1,023.85 કરોડની સંપત્તિ કામચલાઉ રીતે જપ્ત કરી છે. આ સંપત્તિઓમાં સિંગાપોરમાં ₹471 કરોડની સંપત્તિનો સમાવેશ થાય છે. રવિવારે (21 જૂન) ED એ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ 19 જૂનના રોજ કામચલાઉ જપ્તીનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
EDના જણાવ્યા અનુસાર, મોટા પાયે ગેરકાયદેસર આયર્ન ઓર ખાણકામ અને આવી પ્રવૃત્તિઓ દ્વારા કથિત રીતે મેળવેલી સંપત્તિના સંદર્ભમાં સાલગાંવકર ગ્રુપ અને તેની સાથે સંકળાયેલ AVS ગ્રુપ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં સિંગાપોર તેમજ ભારતમાં સ્થિત સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે.
ભારતમાં ૯૯ સ્થાવર મિલકતો, સિંગાપોરમાં ૩૧
ED અનુસાર, જપ્ત કરાયેલી સંપત્તિઓમાં ભારતમાં ૯૯ સ્થાવર મિલકતો (જેની કિંમત ₹૪૫૯.૧૦ કરોડ છે), સિંગાપોરમાં ૩૧ સ્થાવર મિલકતો (જેની કિંમત ₹૪૭૧.૩૨ કરોડ છે) અને ભારતીય કંપનીઓમાં ઇક્વિટી શેર (જેની કિંમત ₹૯૩.૪૨ કરોડ છે)નો સમાવેશ થાય છે. આ સંપત્તિઓ સ્વર્ગસ્થ અનિલ સલગાંવકર (જેનું પ્રતિનિધિત્વ તેના સંચાલક લક્ષ્મી અનિલ સલગાંવકર કરે છે), સલગાંવકર માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ, શાંતિલાલ ખુશાલદાસ એન્ડ બ્રધર્સ, એસ. કાંતિલાલ એન્ડ કંપની, સલિથો ઓર્સ, વર્ટેક્સ ન્યૂટન પ્રોજેક્ટ્સ અને સુવર્ણરેખા પોર્ટના નામે રાખવામાં આવી હતી. આ સંપત્તિઓનું કુલ મૂલ્ય ₹૧,૦૨૩.૮૫ કરોડ હોવાનું જણાવાયું છે.

