VIDEO: 'અમારા નિકાસ અને કસ્ટમ્સ કાયદા સક્ષમ, તારણોનો અભ્યાસ કરાશે' ; વ્હાઇટ હાઉસના રિપોર્ટ પર ભારતનો જડબાતોડ જવાબ
ચીન સંબંધિત ટ્રાન્સશિપમેન્ટ (માલસામાનની ફેરબદલ) વિવાદમાં ભારતનો ઉલ્લેખ કરતા વ્હાઇટ હાઉસના તાજેતરના અહેવાલ અંગે ભારતના વિદેશ મંત્રાલયે (MEA) સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું છે કે ભારત આ અહેવાલના તારણો અને પદ્ધતિનો વિગતવાર અભ્યાસ કરશે. સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશમાં કસ્ટમ્સ અને નિકાસ સંબંધિત નિયમો અત્યંત કડક અને મજબૂત છે.
વિદેશ મંત્રાલયે શું કહ્યું?
સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "અમે આ ચોક્કસ બાબત પરના કેટલાક અહેવાલો જોયા છે. અમે તેમાં અપનાવવામાં આવેલી પદ્ધતિ અને તેના તારણોનો વિગતવાર અભ્યાસ કરવા માંગીએ છીએ. અમારી પાસે કસ્ટમ્સ, રૂલ્સ ઓફ ઓરિજિન અને ઉત્પાદનોની નિકાસનું સંચાલન કરતા મજબૂત કાયદા અને પ્રક્રિયાઓ છે. જો કોઈ પણ પ્રકારના ઉલ્લંઘનની ઘટના સામે આવે છે, તો તેની સામે કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે છે.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે દેશમાંથી થતી નિકાસ અને કસ્ટમ્સ ક્લિયરન્સ માટે 'રૂલ્સ ઓફ ઓરિજિન'ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે, જેથી ત્રીજા દેશના માલસામાનનો ગેરકાયદે ઉપયોગ ન થઈ શકે. વ્હાઇટ હાઉસે કયા ડેટા અને કઈ પદ્ધતિના આધારે ભારતનો ઉલ્લેખ કર્યો છે તે તમામ તકનીકી પાસાંઓનું સરકાર બારીકાઈથી મૂલ્યાંકન કરશે. આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોનો ભંગ કરતી કોઈપણ કંપની કે કિસ્સા સામે ભારતીય કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવે છે.

