AAPના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલના ઘરે EDના દરોડા, લવલી પ્રોફેશનલ યુનિ. સાથે જોડાયેલા સ્થળોએ સર્ચ ઓપરેશન

આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ અશોક મિત્તલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે વહેલી સવારથી અશોક મિત્તલ અને તેમના નજીકના સંબંધીઓના ઠેકાણા પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબના જલંધર અને હરિયાણાના ગુરુગ્રામ સહિત કુલ 8 થી 9 સ્થળોએ આ તપાસ ચાલી રહી છે.
LPU ના ફંડમાં ગેરરીતિનો આરોપ
પ્રાથમિક માહિતી મુજબ, આ કાર્યવાહી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) ના ફંડમાં થયેલી કથિત નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગના શંકાસ્પદ વ્યવહારોને લઈને કરવામાં આવી રહી છે. ED ની ટીમો હાલમાં જલંધર સ્થિત મિત્તલના નિવાસસ્થાને દસ્તાવેજો, બેંક ખાતાની વિગતો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ કરી રહી છે. રેડ સમયે અશોક મિત્તલ પોતે ઘરે હાજર હોવાનું જાણવા મળ્યું છે.
રાજકીય નિમણૂક અને ટાઈમિંગ
અશોક મિત્તલ તાજેતરમાં જ રાજકીય ગલિયારામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાને હટાવીને મિત્તલને 'ડેપ્યુટી લીડર' તરીકેની મહત્વની જવાબદારી સોંપી હતી. આ નિમણૂકના ગણતરીના દિવસોમાં જ ED ની કાર્યવાહી થતા 'આપ' નેતાઓએ તેને રાજકીય કિન્નાખોરી ગણાવી છે.
સીએમ ભગવંત માનની તીખી પ્રતિક્રિયા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ રેડ બાદ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા લખ્યું કે, "ભાજપ પંજાબમાં ચૂંટણીની તૈયારી કરી રહી છે અને આ કાર્યવાહી તેનો જ એક ભાગ છે. અમે એવા પાંદડા નથી જે ડાળીથી તૂટીને પડી જઈએ, આંધળીઓને કહી દો કે પોતાની ઓકાતમાં રહે."
કોણ છે અશોક મિત્તલ? (પરિચય)
-
શરૂઆત: અશોક મિત્તલનો જન્મ જલંધરમાં થયો હતો. તેમના પિતાએ 'લવલી સ્વીટ્સ' નામે મીઠાઈની એક નાનકડી દુકાનથી શરૂઆત કરી હતી.
-
ઉદ્યોગસાહસિક: અશોક મિત્તલે પોતાના ભાઈઓ સાથે મળીને આ વ્યવસાયને મોટો કર્યો અને જલંધરની સૌથી લોકપ્રિય બ્રાન્ડ બનાવી.
-
શિક્ષણ ક્ષેત્ર: 2005 માં તેમણે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) ની સ્થાપના કરી, જે આજે દેશની સૌથી મોટી ખાનગી યુનિવર્સિટીઓમાંથી એક છે.
-
રાજકારણ: 2022 માં આમ આદમી પાર્ટીએ તેમને પંજાબથી રાજ્યસભામાં મોકલ્યા હતા.
તપાસનો વ્યાપ
ED ના અધિકારીઓ હાલમાં મિત્તલના પુત્ર અને બિઝનેસ પાર્ટનર્સના ઠેકાણે પણ સર્ચ કરી રહ્યા છે. એજન્સીનું ધ્યાન મુખ્યત્વે યુનિવર્સિટીના ફંડ ફ્લો અને વિદેશી લેવડદેવડ પર છે. જોકે, હજુ સુધી ED તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

