Video: શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં ભક્તિભાવથી દશેરા ઉજવાયું: ૩૫ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું

શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં વિજયાદશમીનો પર્વ ભારે ઉત્સાહ, એકતા અને ભાઈચારાની ભાવના સાથે ઉજવાયો હતો. અસત્ય પર સત્યની જીતના પ્રતીકરૂપે ૩૫ ફૂટ ઊંચા રાવણ તેમજ ૩૦ ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાં સળગાવવામાં આવ્યાં હતાં. પરિવારથી દૂર સુરક્ષા ફરજ બજાવતા સીઆરપીએફના જવાનોએ પણ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓ, કાશ્મીરી પંડિતો, પ્રવાસીઓ અને સુરક્ષાકર્મીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. યુવાનોએ સોશિયલ મીડિયા માટે વીડિયો રેકોર્ડ કરી આનંદ માણ્યો હતો. ભવ્ય આતશબાજી વચ્ચે સંપન્ન થયેલા આ ઉત્સવ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેણે કાશ્મીરમાં સાંસ્કૃતિક એકતાની સુંદર મિસાલ રજૂ કરી છે.





