મુંબઈ એરપોર્ટ પર DRIનો સપાટો: 13.73 કરોડનું સોનું-હીરા જપ્ત, એરપોર્ટ સ્ટાફની અનોખી 'ટુ-વે' સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ!

DRI દ્વારા મુંબઈ એરપોર્ટ પર ટુ-વે ગોલ્ડ-ડાયમંડ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કરાયો છે. સંગઠિત સ્મગલિંગ સામે પોતાની સતત કાર્યવાહી ચાલુ રાખતા, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) એ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈથી ચાલતા એક અત્યાધુનિક ‘ટુ-વે’ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં આશરે રૂપિયા 12.64 કરોડની કિંમતનું 8.564 કિલો 24-કેરેટ વિદેશી સોનું અને આશરે રૂ. 1.09 કરોડની કિંમતના 1,168.97 કેરેટ હીરા જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે એરપોર્ટ સ્ટાફના એક સભ્ય, છ ટ્રાન્ઝિટ મુસાફરો અને એક ભારતીય આઉટબાઉન્ડ (વિદેશ જતા) મુસાફર સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કેવી રીતે થયું ઓપરેશન?
30 સપ્ટેમ્બર 2026 ના રોજ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને, DRI ના અધિકારીઓએ ડિપાર્ચર એરિયામાં એરપોર્ટ સ્ટાફના એક સભ્યને આંતરી લીધો હતો, જ્યારે તે ભારતમાંથી ગેરકાયદેસર નિકાસ માટે દુબઈ જઈ રહેલા એક ભારતીય મુસાફરને હીરા સોંપી રહ્યો હતો. તેની અંગત જડતી લેતાં, એરપોર્ટ સ્ટાફ પાસેથી વેક્સ (મીણ) સ્વરૂપમાં વિદેશી સોનાના રજકણો ધરાવતી ત્રણ કેપ્સ્યૂલ પણ મળી આવી હતી, જે તેને એક ટ્રાન્ઝિટ મુસાફરે સોંપી હતી. વધુ પૂછપરછ દરમિયાન, એરપોર્ટ સ્ટાફે સોનું સોંપનારા ટ્રાન્ઝિટ મુસાફરની ઓળખ જાહેર કરી હતી. ત્યારબાદ તે મુસાફરને પણ આંતરી લેવામાં આવ્યો હતો. એરપોર્ટ સ્ટાફે વધુમાં ખુલાસો કર્યો હતો કે, દુબઈ, દોહા, જેદ્દાહ અને ફુજૈરાહથી અલગ-અલગ ફ્લાઈટ્સમાં આવી રહેલા અન્ય પાંચ ટ્રાન્ઝિટ મુસાફરો પણ તેને સ્મગલિંગનું સોનું પહોંચાડવાના હતા.
કેટલો જપ્ત કરાયો મુદ્દામાલ?
DRI અધિકારીઓએ સતર્ક રહીને તમામ પાંચ મુસાફરોને ટ્રાન્ઝિટ એરિયામાં એરપોર્ટ સ્ટાફને સોનાની કેપ્સ્યૂલ સોંપતી વખતે જ પકડી પાડ્યા હતા. સ્મગલિંગનું સોનું પહોંચાડ્યા પછી આ મુસાફરો સિંગાપોર અને ઢાકા તરફ આગળ મુસાફરી કરવાના હતા. કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ તમામ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન વેક્સ સ્વરૂપમાં 24-કેરેટ વિદેશી સોનાના રજકણો ધરાવતી 23 કેપ્સ્યુલ્સ જપ્ત કરાઈ હતી, જેનું કુલ વજન 8.564 કિલો અને કિંમત રૂ. 12.64 કરોડ થાય છે. આ ઉપરાંત 1,168.97 કેરેટ હીરા જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં 132.17 કેરેટ કુદરતી હીરા અને 1,036.80 કેરેટ લેબ-ગ્રોન હીરા સામેલ છે, જેનું મૂલ્ય રૂ. 1.09 કરોડ થાય છે.
ટુ-વે મોડસ ઓપરેન્ડી
આ કામગીરીમાં એક વિશિષ્ટ ‘ટુ-વે’ મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે, જેમાં એરપોર્ટ સ્ટાફનો એક જ કર્મચારી બંને દિશામાં પ્રતિબંધિત વસ્તુઓની હિલચાલમાં મદદ કરતો હતો,એક તરફ ભારતમાં છૂપી રીતે લાવવા માટે આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ મુસાફરો પાસેથી સ્મગલિંગનું વિદેશી સોનું મેળવવું, તો બીજી તરફ આઉટબાઉન્ડ મુસાફર દ્વારા દુબઈમાં હીરાની ગેરકાયદેસર નિકાસ કરાવવી. આ કિસ્સાએ એરપોર્ટ સ્ટાફની આંતરિક સંડોવણીના જોખમને ફરી એકવાર સામે લાવી દીધું છે.

