VIDEO: "અમેરિકાના દબાણમાં આવીને ઈથેનોલ ન આયાત કરો" E20 પેટ્રોલ મુદ્દે અરવિંદ કેજરીવાલના પીએમ મોદી પર પ્રહાર
આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશમાં E20 પેટ્રોલ (ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ) ના ફરજિયાત અમલીકરણ અને અમેરિકાથી ઈથેનોલની આયાત અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે માંગ કરી છે કે પ્રધાનમંત્રીએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણમાં આવ્યા વિના દેશવાસીઓ પર E20 ઈંધણ લાદવાનું બંધ કરવું જોઈએ.
"અમે પ્રધાનમંત્રીને સંદેશો મોકલ્યો છે કે અમે તેમને મળવા માંગીએ છીએ. જો પ્રધાનમંત્રી અમને બોલાવશે તો અમે તેમની સાથે આ વિષય પર વાતચીત કરીશું. આપણો આ સંઘર્ષ સતત ચાલુ રહેશે." — અરવિંદ કેજરીવાલ
વાહનો પર અસર અને અમેરિકા સાથેની ડીલનો આરોપ
કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે અમેરિકા પાસેથી ઈથેનોલ ખરીદવા માટે સમર્પણ કરી દીધું છે. તેમણે દાવો કર્યો હતો કે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલને કારણે જૂના વાહનોના એન્જિનમાં સમસ્યાઓ આવી રહી છે અને માઈલેજ ઘટી રહ્યું છે. આમ છતાં, સરકાર કોઈપણ વૈજ્ઞાનિક સ્પષ્ટતા આપ્યા વિના તેને જનતા પર લાદી રહી છે.
કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ ૧૦૦ લોકો સાથે પ્રધાનમંત્રી નિવાસસ્થાને જઈને જનતાના આવેદનપત્રો વ્યક્તિગત રીતે સોંપશે. એક રિપોર્ટ મુજબ AAP દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનમાં 2.33 લાખથી વધુ લોકોએ E20 પેટ્રોલ સામે પોતાની વિરોધ નોંધાવ્યો છે. કેજરીવાલે દરેક પેટ્રોલ પંપ પર શુદ્ધ પેટ્રોલ અને E20 પેટ્રોલ—બંને પસંદ કરવાનો વિકલ્પ આપવાની તેમજ E20 ના ભાવ ઘટાડવાની માંગ કરી છે.

