બંગાળની ચૂંટણીને કારણે થઈ રહી છે વંદે માતરમ પર ચર્ચા, લોકોને વિભાજીત કરવાની ચાલ: પ્રિયંકા ગાંધી

સોમવાર (8 ડિસેમ્બર) એટલે કે આજે સંસદના શિયાળુ સત્રનો છઠ્ઠો દિવસ છે. સવારથી લોકસભામાં વંદે માતરમ પર લાંબી ચર્ચા ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની શરૂઆત કરી. તેમણે લોકસભામાં કહ્યું, "દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપનાર અને પ્રેરણા આપનાર, બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવનાર મંત્ર, વંદે માતરમને યાદ કરવાનો આ આપણો સૌભાગ્ય છે."
રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવા પર લોકસભામાં એક ખાસ ચર્ચા થઈ રહી છે. લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીને પણ બોલવાનો સમય આપવામાં આવ્યો હતો.
"આ આપણું રાષ્ટ્રગીત છે, તેના પર કોઈ ચર્ચા કેવી રીતે થઈ શકે?"
જેમાં તેમણે કહ્યું, "આજે આ ચર્ચા એક ભાવના વિશે છે. જ્યારે આપણે વંદે માતરમનો ઉલ્લેખ કરીએ છીએ, ત્યારે આપણને સ્વતંત્રતા સંગ્રામનો આખો ઇતિહાસ યાદ આવે છે. બ્રિટિશ સામ્રાજ્ય વંદે માતરમ સમક્ષ ઝૂક્યું હતું. આઝાદીના 75 વર્ષ પછી આ ચર્ચાની શું જરૂર છે? આ આપણું રાષ્ટ્રગીત છે, તેના પર કોઈ ચર્ચા કેવી રીતે થઈ શકે?"
ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર પર પ્રહારો કર્યા
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "પંડિત જવાહરલાલ નહેરુ દેશ માટે જીવ્યા અને દેશ માટે જ મૃત્યુ પામ્યા. જેટલા સમય માટે મોદી વડાપ્રધાન રહ્યા, લગભગ એટલા જ સમય માટે નહેરુ જેલમાં હતા."
"બંગાળની ચૂંટણીને કારણે ચર્ચા થઈ રહી છે"
કોંગ્રેસના સાંસદે કહ્યું કે, "વંદે માતરમ પર ચર્ચા બંગાળની ચૂંટણીને કારણે થઈ રહી છે. તેનો હેતુ જૂના નાયકો પર આરોપ લગાવવાનો છે. સરકાર લોકોને વિભાજીત કરવા માંગે છે."
સરકારે પેપર લીક પર ચર્ચા કરવી જોઈએ: પ્રિયંકા ગાંધી
વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "હિંમત હોય, તો સરકારે પેપર લીક પર ચર્ચા કરવી જોઈએ. બેરોજગારી, ગરીબી અને પ્રદૂષણ પર ચર્ચા કરવી જોઈએ."
પ્રિયંકા ગાંધીએ PM મોદીની પ્રશંસા કરી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "PM મોદી ભાષણો સારા આપે છે. તેમની પાસે બીજી એક કુશળતા એ છે કે જનતા સમક્ષ તથ્યો રજૂ કેવી રીતે રજૂ કરવા. હું જનતાની પ્રતિનિધિ છું, કલાકાર નહીં. તેઓ (PM મોદી) સારા ભાષણો આપે છે, પરંતુ તથ્યો પર નબળા છે."
"PM મોદીએ કોંગ્રેસ અધિવેશનનો ઉલ્લેખ ના કર્યો"
કહ્યું કે, "રવીન્દ્રનાથ ટાગોરે કોંગ્રેસ અધિવેશનમાં વંદે માતરમ ગાયું હતું, PMએ તેનો ઉલ્લેખ કર્યો નહીં. બંકિમચંદ્ર ચેટર્જીની નવલકથા આનંદ મઠ 1882માં પ્રકાશિત થઈ હતી. તેમાં અંતરા ઉમેરવામાં આવ્યા હતા. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે સૌપ્રથમ 1896માં કોંગ્રેસ અધિવેશનમાં આ ગીત ગાયું હતું. 1905માં બંગાળના ભાગલા દરમિયાન, તે એકતાના આહ્વાન તરીકે ઉભરી આવ્યું હતું."

