ગોવામાં 25 લોકો જીવતા સળગ્યા તે ક્લબના માલિક સૌરભ લુથરાનું આવ્યું પહેલું નિવેદન

ગોવાના નાઇટક્લબમાં લાગેલી ભયાનક આગ બાદ "રોમિયો લેન" ના માલિક સૌરભ લુથરાએ પોતાનું મૌન તોડ્યું છે. તેમણે મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને મદદની ઓફર કરી. દિલ્હીમાં પોતાનો વ્યવસાય શરૂ કરનાર લુથરાએ એનસીઆરથી લખનૌ અને ગોવા સુધી "રોમિયો લેન" ચેઇનનો વિસ્તાર કર્યો. થોડા વર્ષોમાં જ તેમણે ક્લબના વ્યવસાયનો ઝડપથી વિકાસ કર્યો.
દુર્ઘટનાના લગભગ 34 કલાક પછી લુથરાએ ઇન્સ્ટાગ્રામ દ્વારા શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં મેનેજમેન્ટ ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને બિર્ચમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને કારણે થયેલા જાનમાલના નુકસાનથી ખૂબ દુઃખી છે.આ પીડાદાયક અને સંકટના સમયમાં મેનેજમેન્ટ મૃતકો અને ઘાયલોના પરિવારો સાથે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરે છે.અને દુખની ઘડીમાં તેમની સાથે ઉભું રહે છે.
સૌરભે વધુમાં જણાવ્યું હતું કે, "મેનેજમેન્ટ એ પણ ખાતરી આપે છે કે તે શોક- સંતપ્ત અને અસરગ્રસ્ત વ્યક્તિઓને તમામ પ્રકારની સહાયતા, સહયોગ અને મદદ પ્રદાન કરશે. જેથી તે આ અત્યંત પીડાદાયક અને કઠીન સમયમાંથી પસાર થઈ શકે.
ઉત્તર ગોવાના અરપોરામાં "બિર્ચ બાય રોમિયો લેન" માં શનિવારે રાત્રે આગ લાગી હતી.આ ઘટનામાં પાંચ પ્રવાસીઓ અને સ્ટાફ સહિત પચીસ લોકોના મોત થયા છે. સૌરભ લુથરા ક્લબના માલિક છે. ગોવા ઉપરાંત, "રોમિયો લેન" ચેઇન દિલ્હી, ગુરુગ્રામ, મેરઠ અને લખનૌ સહિત દેશના અનેક મોટા શહેરોમાં અનેક રેસ્ટોરન્ટ અને બાર ચલાવે છે. રેસ્ટોરન્ટ ચેઇનની વેબસાઇટ મુજબ સૌરભ લુથરા એક ગોલ્ડ મેડલિસ્ટ એન્જિનિયર હતા અને હવે રેસ્ટોરન્ટના કારોબારી છે. સૌરભ લુથરાએ થોડા વર્ષોમાં જ ખાણીપીણીના ધંધામાં ખૂબ જ નામ અને દામ કમાયા છે.
સૌરભ લુથરાને શોધી રહી છે પોલીસ
કંપનીના માલિકો સૌરભ લુથરા અને ગૌરવ લુથરા સામે ગોવામાં કેસ નોંધાયો છે. ગોવા પોલીસની એક ટીમ તેમની ધરપકડ કરવા માટે દિલ્હી પહોંચી છે. ગોવાની અંજુના પોલીસે ક્લબના ચીફ જનરલ મેનેજર રાજીવ મોડક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજીવ સિંઘાનિયા અને ગેટ મેનેજર રિયાંશુ ઠાકુરની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રવિવારે જણાવ્યું હતું કે રાજ્ય પોલીસની એક ટીમ લુથરા પરિવારને શોધવા માટે દિલ્હી રવાના થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે આગના સંદર્ભમાં બંને પ્રમોટરો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને તેમની ધરપકડ કરવામાં આવશે.

