ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના: રેલવે ટ્રેક પાર કરતા શ્રદ્ધાળુ ટ્રેન નીચે કચડાયા; 5 લોકોના મોત

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ચુનાર રેલવે સ્ટેશને એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કાર્તિક પૂર્ણિમાના અવસરે ગંગા સ્નાન માટે જતા શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાઈ ગયા હતા. અત્યાર સુધી 5 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. માહિતી અનુસાર આ શ્રદ્ધાળુઓ ખોટી રીતે પાટા ઓળંગી રહ્યા હતા જેના કારણે ટ્રેનની લપેટમાં આવી ગયા હતા.
રેલવે ટ્રેક પાર કરતા લોકો અન્ય ટ્રેન નીચે કચડાયા
રેલવે ટ્રેક પાર કરવા દરમિયાન આ ભીષણ દુર્ઘટના સર્જાઇ હતી અને શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમામ શ્રદ્ધાળુ ગંગા સ્નાન માટે જતા હતા. આ ઘટના બાદ ચુનાર રેલવે સ્ટેશન પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે હાજર રેલવે અધિકારીઓ અને પોલીસે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે.
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે ટક્કર એટલી જોરદાર હતી કે શબોના ચીથડા ઉડી ગયા હતા. દુર્ઘટના બાદ અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. GRP અને RPFની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. સીનિયર અધિકારી પણ ઘટનાસ્થળે આવીને સમીક્ષા કરી રહ્યા છે.

