VIDEO : અલીગંજ કોચિંગ સેન્ટર અકસ્માત પર નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે વ્યક્ત કર્યું ઊંડું દુઃખ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં આવેલી એક એનિમેશન કોચિંગ સંસ્થામાં લાગેલી ભીષણ આગ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે ભારે આઘાત અને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. આ અકસ્માતમાં 15 નિર્દોષ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પ્રાથમિક તપાસના આધારે લખનૌ પોલીસે આ મામલે ૬ એફઆઈઆર (FIR) નોંધીને બિલ્ડિંગના માલિક સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે, જ્યારે ચાર જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે અલીગંજ યોજનાના સેક્ટરમાં આવેલી આ ઈમારત કુલ ૧૯૯૨ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે, જેના માટે વર્ષ ૨૦૧૪માં માત્ર રહેણાંક નકશો મંજૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં લખનૌ વિકાસ સત્તામંડળ (LDA) દ્વારા ગેરકાયદેસર બાંધકામનો ગુનો નોંધીને ઈમારતને તોડી પાડવાનો આદેશ પણ અપાયો હતો, પરંતુ માલિકોએ કોર્ટમાં વાંધો ઉઠાવતા આ આદેશ રદ થયો હતો. આ ગંભીર ક્ષતિઓને કારણે આજે આટલો મોટો અકસ્માત સર્જાયો છે, જેના પર હવે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે.

