VIDEO: ભારતમાં ડેન્ગ્યુ વેક્સિનને મંજૂરી મળતાં મોટી રાહત, આવતા વર્ષે મળશે ડોઝ
ભારતમાં દર વર્ષે ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો જોવા મળે છે, પરંતુ હવે આ જીવલેણ બીમારી સામે દેશવાસીઓને મોટી રાહત મળવાની આશા બંધાઈ છે. ભારતમાં આવતા વર્ષના શરૂઆતના 6 મહિનામાં ડેન્ગ્યુની પહેલી રસી બજારમાં આવી શકે છે. જાપાનની દવા કંપની તાકેદાની રસી QDENGAને ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી વેચાણ માટેની મંજૂરી મળી ગઈ છે. દેશભરમાં આ રસી ઉપલબ્ધ કરાવવા માટે જાપાનીઝ કંપનીએ ભારતની પ્રખ્યાત ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ સાથે કરાર કર્યો છે. આ રસી 4 થી 60 વર્ષની વયજૂથના લોકો માટે મંજૂર કરવામાં આવી છે. આ રસીના બે ડોઝ આપવામાં આવશે, જેમાં બંને ડોઝ વચ્ચે 3 મહિનાનું અંતર રાખવું પડશે. અગાઉ ડેન્ગ્યુ થઈ ચૂક્યો હોય તેવા દર્દીઓ પણ આ રસી મુકાવી શકશે. ડેન્ગ્યુ વાયરસના 4 અલગ-અલગ સ્ટ્રેન હોય છે, જેથી એક વખત ચેપ લાગ્યા પછી પણ બીજા સ્ટ્રેનનો ખતરો યથાવત રહે છે. આ રસીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ચારેય પ્રકારના સ્ટ્રેન સામે રક્ષણ પૂરું પાડે છે.

