Delhi Red Fort Blast: PM મોદીએ અમિત શાહ સાથે કરી વાત, દેશભરના મોટા શહેરોમાં એલર્ટ, મોતનો આંકડો વધ્યો

દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે એટલે કે આજે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થતાં અફરા-તફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 10 લોકોના મોતના અહેવાલ છે. ત્યારે PM નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં થયેલા આ વિસ્ફોટ અંગે જાણકારી મેળવી છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી ઘટના અંગે માહિતી મેળવી હતી. આ ઘટનાને કારણે દેશભરના મોટા શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આ સાથે ગૃહમંત્રી અમિત શાહે IB ડિરેક્ટર સાથે વાત કરી હતી. તેઓ તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
મૃતકોની સંખ્યા વધીને 10 થઈ
દિલ્હી વિસ્ફોટોમાં મૃત્યુઆંક 10 થયો છે. ઘાયલોની સંખ્યા પણ વધી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 30 લોકો ઘાયલ થયા છે.
દિલ્હી પોલીસ કમિશનરનું નિવેદન
દિલ્હી પોલીસ કમિશનરે જણાવ્યું કે, આજે સાંજે લગભગ 6:52 વાગ્યે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એક વાહનની અંદર થયો હતો. NIA ટીમ આવી ગઈ છે. તપાસ ચાલી રહી છે. કેટલાક લોકોના મોત થયા છે. કેટલાક ઘાયલ થયા છે. તપાસ ચાલુ છે.
ભારત-નેપાળ સરહદ પર રેડ એલર્ટ
દિલ્હી વિસ્ફોટ બાદ, ભારત-નેપાળ સરહદ પર રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર પોલીસ એલર્ટ મોડમાં છે. સુરક્ષા કર્મચારીઓ સરહદ પર ફૂટપાથ પર કડક નજર રાખી રહ્યા છે. 84 કિલોમીટર ખુલ્લી સરહદ પર દેખરેખ વધારી દેવામાં આવી છે.
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ ઘટના સ્થળ ખાતે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

