VIDEO: દિલ્હીમાં હાઈએલર્ટ, લાલ કિલ્લા કાર વિસ્ફોટમાં 10 ના મોત; અમિત શાહે IB ચીફ સાથે કરી વાત
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. 6થી 7 વાહલનો આગની ઝપેટે આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટને પગલે PM મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી છે. વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ આ પછી દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
NIA ટીમોને ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પાંચથી છ વાહનો આગની ઝપેટમાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે આઈબી ચીફ સાથે વાત વાત કરી છે. હરિયાણા બોર્ડર પર સતર્ક મોડમાં છે.
ફાયર બ્રિગેડને સાંજે 6:55 કલાકે વિસ્ફોટની માહિતી મળી હતી. દિલ્હી પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે. વિસ્ફોટ થવાનું કારણ શોધવા ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. વિસ્ફોટથી નજીકની સ્ટ્રીટલાઇટ પણ તૂટી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા ઘણા લોકોને LNJP હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી છે. આ કોઈ આતંકી કાવતરું છે કે પછી સીએનજી ગેસ બ્લાસ્ટની ઘટના છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. વિસ્ફોટ બાદ સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ સૂચવે છે કે આ કોઈ મોટું કાવતરું હોઈ શકે છે. દરમિયાન, નજીકના ચાંદની ચોક બજારને બંધ કરી દેવામાં આવ્યું છે. લાલ ચોકની આસપાસના સમગ્ર વિસ્તાર અને રસ્તાઓને કોર્ડન કરી દેવામાં આવ્યા છે.
ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. દિલ્હીના ફાયર વિભાગે સત્તાવાર જાણકારી આપતા કહ્યું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે કારમાં બ્લાસ્ટનો કોલ આવ્યો હતો. જે બાદ ત્રણથી ચાર અન્ય વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા. ફાયર વિભાગની કુલ સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સમગ્ર દિલ્હીમાં હાઈ ઍલર્ટ:
લાલ કિલ્લા પાસે દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર
લાલ કિલ્લો વિસ્તાર અને તેની નજીક આવેલું ચાંદની ચોક માર્કેટ દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનું એક છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો અહીં ખરીદી અને અવરજવર માટે આવતા હોય છે. વિસ્ફોટનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક બાબતોની તપાસ કરી રહી છે. હાલમાં ઈજાગ્રસ્તો નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, હરિયાણાના ફરિદાબાદ જિલ્લામાં પોલીસે વિસ્ફોટકોનો બીજો એક વિનાશક જથ્થો જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ ફરીદાબાદના ફતેહપુર ટાગા ગામમાંથી 2,563 કિલો શંકાસ્પદ વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. વિસ્ફોટકોનો આ જથ્થો એટલો મોટો છે કે સુરક્ષા એજન્સીઓને તેના પરિવહન કરવા માટે ટ્રકની વ્યવસ્થા ગોઠવવી પડી છે. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ વિસ્ફોટક એમોનિયમ નાઈટ્રેટ છે.
ફરીદાબાદ પોલીસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ આજ સવારથી જ આ વિસ્તારમાં દરોડા પાડી રહી છે. અગાઉ ધૌજ વિસ્તારમાં 360 કિલો વિસ્ફોટકો જપ્ત કરાયો હતો. આ સાથે 20 ટાઈમર, વોકી ટોકી અને અસોલ્ટ રાયફલ મળી આવ્યા હતા. આ મામલામાં જમ્મુ-કાશ્મીર અને હરિયાણા પોલીસે બે ડોક્ટરો આદિલ અહેમદ રાથર અને મુઝમ્મિલ શકીલની ધરપકડ કરી છે. મુઝમ્મિલે ધૌજ અને ફતેહપુર ટાગા ગામમાં રૂમ ભાડે લીધા હતા. આ મકાન ડૉ. મુઝમ્મિલે એક મૌલાના પાસેથી ભાડે લીધું હતું. મૌલાનાને પણ પોલીસે અટકાયતમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘર ધૌજથી લગભગ 4 કિલોમીટર દૂર આવેલું છે.

