Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Death of veteran journalist and witness to historical events Mark Tully

પીઢ પત્રકાર અને ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી Mark Tullyનું 90 વર્ષની વયે અવસાન

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2026
લાઇવ ટીવીGoogle News
પીઢ પત્રકાર અને ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી Mark Tullyનું 90 વર્ષની વયે અવસાન
સોર્સ : GSTV

જાણીતા લેખક અને વરિષ્ઠ પત્રકાર માર્ક ટલીનું રવિવારે નવી દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 90 વર્ષના હતા. આ માહિતી તેમના એક નજીકના મિત્રએ શેર કરી હતી.  પત્રકારત્વ માટે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીતનાર માર્ક ટલી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને છેલ્લા એક અઠવાડિયાથી દક્ષિણ દિલ્હીના સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં દાખલ હતા.

App Store

વરિષ્ઠ પત્રકાર અને ટલીના નજીકના મિત્ર સતીશ જેકબે જણાવ્યું હતું કે, 'માર્કનું રવિવારે બપોરે સાકેતની મેક્સ હોસ્પિટલમાં અવસાન થયું છે.' 24 ઓક્ટોબર 1935ના રોજ કોલકાતા (તત્કાલીન કલકત્તા)માં જન્મેલા માર્ક ટલી 22 વર્ષ સુધી બીબીસીના નવી દિલ્હી બ્યુરો ચીફ રહ્યા હતા. તેઓ એક પ્રતિષ્ઠિત લેખક પણ હતા અને બીબીસી રેડિયો-4 ના લોકપ્રિય કાર્યક્રમ 'સમથિંગ અન્ડરસ્ટુડ' ના પ્રેઝન્ટર રહ્યા હતા.

ટલી 4 વર્ષની ઉંમરે દાર્જિલિંગની બ્રિટિશ બોર્ડિંગ સ્કૂલમાં પહોંચ્યા અને 9 વર્ષની ઉંમરે આગળના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે હેમ્પશાયરની ટ્વિટફોર્ડ સ્કૂલ, માર્લબોરો કોલેજ અને કેમ્બ્રિજના ટ્રિનિટી હોલમાં અભ્યાસ કર્યો, જ્યાં તેમણે થિયોલોજી (ધર્મશાસ્ત્ર) નો અભ્યાસ કર્યો. કેમ્બ્રિજમાં શિક્ષણ મેળવ્યા બાદ માર્ક ટલીએ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડમાં પાદરી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ લિંકન થિયોલોજિકલ કોલેજમાં બે સત્ર બાદ તેમણે આ વિચાર છોડી દીધો હતો.

30 વર્ષ સુધી BBC સાથે જોડાયેલા રહ્યા

તેમણે જુલાઈ 1994માં રાજીનામું આપતા પહેલા 30 વર્ષ સુધી બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) સાથે કામ કર્યું હતું. માર્ક ટલી 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન BBC ના ઇન્ડિયા કોરેસ્પોન્ડન્ટ હતા, જે બાદ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું. BBC સંવાદદાતા તરીકે તેમણે ભારતની તમામ મોટી ઘટનાઓને કવર કરી હતી, જેમાં ભારત-પાકિસ્તાન સંઘર્ષ, ભોપાલ ગેસ દુર્ઘટના, ઓપરેશન બ્લુ સ્ટાર અને ત્યારબાદ ઈન્દિરા ગાંધીની હત્યા, રાજીવ ગાંધીની હત્યા અને બાબરી મસ્જિદના વિધ્વંસનો સમાવેશ થાય છે.

પદ્મ ભૂષણથી સન્માનિત હતા માર્ક ટલી

1975-77 દરમિયાન જ્યારે ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી દરમિયાન પ્રેસ પર સેન્સરશિપ લગાવી હતી, ત્યારે ટલીના ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમણે 2001માં માર્ગરેટ સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને લંડનમાં 4 બાળકો થયા. તેઓ ભારતમાં તેમની ગર્લફ્રેન્ડ જિલિયન રાઈટ સાથે રહેતા હતા. માર્ક ટલીને વર્ષ 2002માં નાઈટહુડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ભારત સરકારે તેમને 2005માં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા.

ભારત પર લખ્યા અનેક પ્રખ્યાત પુસ્તકો

તેમણે ભારતના લોકોના જીવન અને સમાજનો ખૂબ જ નજીકથી અભ્યાસ કર્યો હતો. માર્ક ટલીએ ભારત પર અનેક ચર્ચિત પુસ્તકો લખ્યા હતા, જેમાં 'નો ફૂલ સ્ટોપ્સ ઇન ઇન્ડિયા', 'ઇન્ડિયા ઇન સ્લો મોશન', 'ધ હાર્ટ ઓફ ઇન્ડિયા', 'અમૃતસર: મિસિસ ગાંધીઝ લાસ્ટ બેટલ' (1985), 'ઇન્ડિયાઝ અનએન્ડિંગ જર્ની' (2008) અને 'ધ રોડ અહેડ' (2011) મુખ્ય છે. તેમનું છેલ્લું પુસ્તક 'અપકન્ટ્રી ટેલ્સ: વન્સ અપોન એ ટાઈમ ઈન ધ હાર્ટ ઓફ ઈન્ડિયા' (2017), ગ્રામીણ ઉત્તર ભારતની વાર્તાઓનો સંગ્રહ છે.