રાજસ્થાનમાં કાળમુખી મકર સંક્રાંતિ: ટ્રક-કારની ભીષણ ટક્કરમાં એક જ પરિવારની 6 મહિલાઓનાં મોત, કારનો કચ્ચરઘાણ

રાજસ્થાનમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારની 6 મહિલાઓનાં કરૂણ મોત નીપજ્યા છે. આ મહિલાઓ લક્ષ્મણગઢથી પરત ફરી રહી હતી ત્યારે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી.
જયપુર-બીકાનેર હાઈવે પર ફતેહપુરના હરસાવા ગામ પાસે બુધવારે એક અનિયંત્રિત કાર સામેથી આવતા ટ્રક સાથે અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 6 મહિલાઓનાં ઘટનાસ્થળ પર જ મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, અર્ટિગા કાર એક વળાંક પર બેકાબૂ થઈ ગઈ હતી અને પહેલા એક પિકઅપ સાથે અથડાયા બાદ સામેથી આવતા ટ્રક સાથે જોરદાર ભટકાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારના કુરચેકુરચા ઉડી ગયા હતા.
અંતિમ સંસ્કારથી પરત ફરતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત કાર ચાલક એક જ પરિવારની 8 મહિલાઓને લઈને લક્ષ્મણગઢથી પરત ફરી રહ્યો હતો. આ મહિલાઓ પરિવારના મોભીની નણંદના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને ફતેહપુર પરત જઈ રહી હતી. બપોરે 3:30 વાગ્યે તેઓ નીકળ્યા અને 4:00 વાગ્યે ફતેહપુર પહોંચતા જ અકસ્માત નડ્યો હતો. પરિવારના અન્ય સભ્યો અલગ-અલગ વાહનોમાં પાછળ આવી રહ્યા હતા.
આ અકસ્માતમાં સંતોષ દેવી, તુલસી દેવી, મોહની દેવી, ઈન્દ્રા, આશા અને ચંદા નામની મહિલાઓનાં મોત થયા છે. ઘાયલોને સીકરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. મકર સંક્રાંતિના પવિત્ર દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

