મેસીને કેરળ લાવવાના નિષ્ફળ આયોજનમાં કરોડોનું કૌભાંડ, તપાસ રિપોર્ટમાં GST ફ્રોડ અને મનસ્વી સ્પોન્સરશિપનો ખુલાસો

લિયોનેલ મેસી અને આર્જેન્ટિના ફૂટબોલ ટીમને કેરળ લાવવાના નિષ્ફળ આયોજન અંગે અગાઉની ડાબેરી(LDF) સરકારના સમયગાળા દરમિયાન થયેલી ભારે ગેરરીતિઓ સામે આવ્યા બાદ રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરાયેલા સ્પેશિયલ ઈન્ક્વાયરી રિપોર્ટના આધારે મુખ્યમંત્રી વી.ડી. સતીશને ગંભીર પ્રક્રિયાગત ક્ષતિઓ, GST ફ્રોડ અને સ્પોન્સર પસંદગીમાં અનિયમિતતાઓ હોવાની બાબતને ગંભીરતાથી નોંધવામાં આવી હોવાનું સ્પષ્ટ કર્યું છે.
સ્પોન્સરની પસંદગી અને નાણાકીય શંકાસ્પદ વ્યવહારો
સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના સ્પેશિયલ સેક્રેટરી એન. પ્રશાંત દ્વારા તૈયાર કરવામાં આવેલા તપાસ રિપોર્ટ અનુસાર, ખાનગી સ્પોન્સર 'રિપોર્ટર બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન'ની પસંદગી અત્યંત અપારદર્શક અને મનસ્વી રીતે કરવામાં આવી હતી. સ્પોન્સર પસંદ કરતી વખતે કોઈ એક્સપ્રેસન ઑફ ઇન્ટરેસ્ટ, ફંડિંગ સોર્સની ચકાસણી કે કંપનીની નાણાકીય ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નહોતું. ઘટનાની સરકારી રજૂઆતના ગણતરીના 20 દિવસ પહેલાં જ બનેલી 'GoatAd Global Limited' નામની કંપનીનું આ સમગ્ર ડીલમાં જોડાણ સામે આવ્યું છે. રિપોર્ટમાં આ બંને કંપનીઓની મિલકતો અને સંબંધો અંગે સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ અને રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ દ્વારા તપાસની ભલામણ કરાઈ છે.
આર્જેન્ટિના ફૂટબોલ ઍસોસિએશન સાથે કરાર અંગે મોટો દાવો
અગાઉની સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે મેસીની ટીમને લાવવા અંગે AFA સાથે કરાર થયો હતો, પરંતુ તપાસ રિપોર્ટમાં સણસણતો ખુલાસો થયો છે. સરકારી ફાઇલમાં AFA કે લિયોનેલ મેસીની ભારત યાત્રા અંગેનો કોઈ જ કાનૂની કે આખરી કરાર હતો જ નહીં. જે દસ્તાવેજ રજૂ કરાયો હતો તે માત્ર એક પ્રોમોશનલ બ્રોશર અને કોમર્શિયલ શરતોનું પત્રક હતું. આ કાગળને ફાઇનલ કન્ફર્મેશન ગણીને આગળ વધવું સંપૂર્ણપણે ખોટું અને અસત્ય હતું. આ ઉપરાંત, ફિફા કે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનની કોઈ જ મંજૂરી મેળવવામાં આવી નહોતી.
સ્ટેડિયમ ફાળવણી અને મર્યાદિત મંજૂરીઓ
કોચીના જવાહરલાલ નેહરુ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની ફાળવણી અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. કોઈપણ કાનૂની, નાણાકીય ચકાસણી કે બૅંક ગેરંટી વગર આ સ્ટેડિયમ ખાનગી સ્પોન્સરને આપી દેવાયું હતું. અગાઉના મુખ્યમંત્રી પિનરાયી વિજયને સ્પોન્સર માટે રૂ. 5 કરોડથી વધુના ભાડાં અને સિક્યોરિટી ડિપોઝિટ પણ માફ કરી દીધી હતી.
જીએસટી ચોરી અને વિદેશી નાણાંનો વ્યવહાર
મુખ્યમંત્રી વી.ડી. સતીશને જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ કૌભાંડમાં મોટા પાયે GST ચોરી અને ફ્રોડ થયું છે, જેની તપાસ નાણા મંત્રાલય કરશે. આ સાથે જ 'TourProdEnter LLC' નામની વિદેશી મધ્યસ્થ સંસ્થા દ્વારા કરવામાં આવેલા 15 મિલિયન ડૉલરના વિદેશી નાણાકીય વ્યવહાર અને FEMA ઉલ્લંઘન મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ઇન્કમ ટેક્સ અને વિજિલન્સ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવાની ભલામણ રિપોર્ટમાં કરવામાં આવી છે.

