VIDEO: 'ધુમાડો એટલો હતો કે કંઈ દેખાતું નહોતું', આગની બસમાંથી બચી નીકળેલા મુસાફરોની દર્દનાક આપવીતી
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડાના યમુના એક્સપ્રેસવે પર ચાલતી સ્લીપર બસમાં લાગેલી આગે મુસાફરો માટે રાતને ભયાનક દુઃસ્વપ્નમાં ફેરવી નાખી. દિલ્હીથી મહોબા જઈ રહેલી રાજ કલ્પના ટ્રાવેલ્સની બસમાં બુધવાર-ગુરુવારની મધરાતે આશરે 11:30 વાગ્યે આગ લાગી હતી. અકસ્માત યમુના એક્સપ્રેસવેના ઝીરો પોઇન્ટથી આશરે 32 કિલોમીટર દૂર જેવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. આ દુર્ઘટનામાં 9 મુસાફરોના મોત થયા છે. આગમાંથી બચી નીકળેલા મુસાફરોની આપવીતી અકસ્માતની ભયાનકતા વર્ણવી રહી છે.
ધુમાડો એટલો હતો કે કંઈ દેખાતું નહોતું
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે બસની પાછળની સીટ પર બેઠો હતો અને મુસાફરી દરમિયાન સૂઈ ગયો હતો. અચાનક બસમાં આગ લાગી હોવાની જાણ થતાં તેણે જીવ બચાવવા માટે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. તે સમયે બસમાં ધુમાડો એટલો ભરાઈ ગયો હતો કે કંઈ પણ સ્પષ્ટ દેખાતું નહોતું.
બસ મુસાફરોથી ભરેલી હોવાથી આગની જાણ થતાં જ દરેક વ્યક્તિ બહાર નીકળવા માટે દોડવા લાગી. સાંકડી જગ્યામાં એકસાથે અનેક લોકો બહાર નીકળવાનો પ્રયાસ કરતા હોવાથી ભારે ધક્કામુક્કી અને અફરાતફરી સર્જાઈ હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, તે પાછળની સીટ પર હતો અને આગ બસના આગળના ભાગમાં લાગી હતી. ધુમાડા અને ગભરાટ વચ્ચે લોકોને ધક્કા મારીને કોઈક રીતે બહાર નીકળવું પડ્યું.
‘સામાન તો દૂર, જૂતા પણ ન પહેરી શકી’
રિંકી રાજપૂત નામની અન્ય મુસાફરે પોતાની ભયાનક આપવીતી સંભળાવતા કહ્યું કે તે પણ બસમાં સૂઈ રહી હતી. આ દરમિયાન કોઈએ બસનો દરવાજો ખખડાવ્યો અને તે જાગી ગઈ. બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધીમાં બસમાં ભારે ભીડ થઈ ચૂકી હતી.
રિંકીએ જણાવ્યું કે પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે તે પોતાનો સામાન પણ લઈ શકી નહીં. એટલું જ નહીં, સમય ન હોવાથી તેણે પોતાના જૂતા પણ પહેર્યા નહીં અને હાથમાં માત્ર ફોન લઈને બસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો.
તેમણે કહ્યું કે બસની અંદર લોકો એકબીજાને ધક્કા મારી રહ્યા હતા. ધુમાડાના કારણે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી અને કંઈ દેખાતું નહોતું. પોતે પણ ધક્કામુક્કી વચ્ચે બહાર નીકળ્યાં અને કોઈ વ્યક્તિએ તેમને ખેંચીને બસની બહાર કાઢ્યાં. ત્યાર બાદ શું થયું તેની તેમને પણ સંપૂર્ણ યાદ નથી.
રિંકીના જણાવ્યા પ્રમાણે આગ બસના આગળના ભાગમાં ડ્રાઇવર પાસે લાગી હતી. તેમણે કહ્યું કે થોડા લોકો જ સમયસર બહાર નીકળી શક્યા, જ્યારે અનેક મુસાફરો બસની અંદર જ ફસાઈ ગયા.
એફઆઈઆરમાં ગંભીર આરોપ, આગ પહેલાં જ આવી રહી હતી ગંધ
બસમાં સવાર સુનીલ કુમારની ફરિયાદના આધારે નોંધાયેલી એફઆઈઆરમાં ઘટનાને લઈને અનેક ગંભીર આરોપો કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ બસમાં આશરે 30થી 35 મુસાફરો સવાર હતા. યમુના એક્સપ્રેસવે પર પહોંચ્યા ત્યારે ડ્રાઇવર કેબિન તરફથી બળવાની ગંધ આવવા લાગી હતી.
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક મુસાફરોએ ડ્રાઇવર અને કંડક્ટરને આ અંગે જાણ કરી હતી. જોકે, આરોપ છે કે આ વાતને ગંભીરતાથી લેવામાં આવી નહોતી. એફઆઈઆરમાં ડ્રાઇવર અને કંડક્ટર કેબિનમાં બીડી અને સિગારેટ પીતા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
થોડી જ વારમાં ડ્રાઇવરની સીટ નજીકથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. મુસાફરોએ બૂમાબૂમ કરીને બસ રોકવા કહ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ આગ ઝડપથી ફેલાઈ અને આખી બસમાં ધુમાડો ભરાઈ ગયો.
9 મુસાફરો અંદર જ ફસાઈ ગયા
સુનીલ કુમારના જણાવ્યા અનુસાર બસ રોકાયા બાદ મુસાફરોએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકો કોઈક રીતે બસમાંથી કૂદીને બહાર નીકળી ગયા, પરંતુ આગ અને ધુમાડાના કારણે અનેક મુસાફરો અંદર જ ફસાઈ ગયા.
ફરિયાદ મુજબ, 9 લોકોને સારવાર માટે જેવરના કૈલાશ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. અનેક મુસાફરોના બેગ, મોબાઇલ અને અન્ય સામાન પણ આગમાં બળીને ખાખ થઈ ગયા.
બારીના કાચ તોડી મુસાફરોને બચાવવાનો પ્રયાસ
અકસમાત બાદ ડ્રાઇવર અને કંડક્ટર ઘટનાસ્થળેથી ભાગી ગયા હોવાની વાત પણ સામે આવી છે. સ્થાનિક લોકોએ આગ બુઝાવવાના સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બસની અંદરથી અવાજો સંભળાતા કેટલાક લોકોએ બારીઓના કાચ તોડી અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.
ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો અને ત્યારબાદ બસને સંપૂર્ણપણે ઠંડી કરવાની પ્રક્રિયા હાથ ધરી. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે ઘટનાની તપાસ શરૂ કરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઘટનાની નોંધ લઈને ઘાયલોને યોગ્ય સારવાર અને મૃતકોના પરિવારજનોને જરૂરી સહાય આપવા સૂચના આપી છે.

