ભાજપના પૂર્વ પ્રવક્તાને બોમ્બે હાઈકોર્ટમાં જજ બનાવતા વિવાદ, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

મહારાષ્ટ્રમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે વકીલ આરતી સાઠેની બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂંકની ભલામણ કરી છે. ભૂતકાળમાં ભાજપના પ્રવક્તા રહી ચૂકેલા આરતી સાઠે વિરુદ્ધ વિપક્ષે સવાલ ઉભો કર્યો છે. વિપક્ષ તેમની ન્યાયાધીશ તરીકેની નિમણૂક પર ન્યાયતંત્રને રાજકીય અખાડા બનાવવાનો સવાલ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આરતી અરુણ સાઠેને ફેબ્રુઆરી 2023 માં મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાઠેએ જાન્યુઆરી 2024 માં વ્યક્તિગત અને વ્યાવસાયિક કારણોસર રાજીનામું આપ્યું હતું. 6 જાન્યુઆરી, 2024 ના રોજ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને મુંબઈ ભાજપ કાયદા વિભાગના વડા પદેથી પણ રાજીનામું આપી દીધું છે.
વકીલાતમાં 20 વર્ષનો અનુભવ
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 28 જુલાઈના રોજ આરતી સાઠે, અજિત ભગવાનરાવ કડેઠંકર અને સુશીલ મનોહર ઘોડેશ્વરને બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આરતી સાઠે વકીલાતમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ મુખ્યત્વે SAD, ડાયરેક્ટ ટેક્સ, કસ્ટમ્સ, SEBI વગેરે સંબંધિત કેસોમાં નિષ્ણાત છે. આ ઉપરાંત તેમણે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ ઘણા વૈવાહિક કેસોનું સમાધાન પણ કર્યું છે.
રોહિત પવારે નિમણૂક પર પ્રશ્નો ઉઠાવ્યા
મહારાષ્ટ્ર NCP (SP)ના ધારાસભ્ય અને મહાસચિવ રોહિત પવારે આરતી સાઠેની બોમ્બે હાઈકોર્ટમાં જજ તરીકેની નિમણૂક પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ હોવું જોઈએ. આરતી સાઠે શાસક ભાજપ સાથે સંકળાયેલા છે અને પક્ષના પ્રવક્તા હોવાનો તેમણે X પર એક સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો હતો. પવારે કહ્યું હતું કે જાહેર મંચ પરથી શાસક પક્ષની હિમાયત કરનાર વ્યક્તિની ન્યાયાધીશ તરીકે નિમણૂક લોકશાહી માટે આઘાતજનક છે.
'હું ચૂંટણી જીતી નથી પણ હારી ગઈ હતી'
રોહિત પવારે કહ્યું કે, ન્યાયાધીશનું પદ ખૂબ જ જવાબદાર છે અને તે નિષ્પક્ષ હોવું જોઈએ. જ્યારે શાસક પક્ષના કોઈ વ્યક્તિને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવે છે તે નિષ્પક્ષતા અને લોકશાહી પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. રોહિત પવારે કહ્યું કે તેઓ સાઠેની લાયકાત સામે વાંધો ઉઠાવી રહ્યા નથી, પરંતુ તેમણે તેમને ન્યાયાધીશ તરીકે ભલામણ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરતા કહ્યું કે, CJI એ આ બાબતે માર્ગદર્શન આપવું જોઈએ.
ભાજપે શું કહ્યું?
જણાવી દઈએ કે, આરતી સાઠેના પિતા અરુણ સાઠે પણ એક જાણીતા વકીલ છે. તેઓ RSS અને BJP સાથે જોડાયેલા રહ્યા છે. ભૂતકાળમાં તેઓ BJPની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય પણ રહી ચૂક્યા છે. રાજ્ય BJP મીડિયા સેલના પ્રભારી નવનાથ બાને જણાવ્યું હતું કે, આરતી સાઠેએ થોડા વર્ષો પહેલા BJP પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમનો પક્ષ સાથે કોઈ સંબંધ નહોતો. એટલે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવવાનું કોઈ કારણ નથી.

