Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Controversy over ‘Forced Conversion’ in West Bengal, Prayer Meetings Closed After Pastor Was Thrashed

પશ્ચિમ બંગાળમાં ‘જબરદસ્તી ધર્માંતરણ’નો વિવાદ, પાદરી સાથે મારપીટ બાદ પ્રાર્થના સભાઓ બંધ

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
પશ્ચિમ બંગાળમાં ‘જબરદસ્તી ધર્માંતરણ’નો વિવાદ, પાદરી સાથે મારપીટ બાદ પ્રાર્થના સભાઓ બંધ
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના (West Bengal) અનેક જિલ્લાઓમાં પ્રાર્થના સભાઓ (Prayer Meetings) દરમિયાન કથિત હુમલાની ઘટનાઓ સામે આવ્યા બાદ ખ્રિસ્તી સમુદાયમાં ચિંતા વધી છે. અહેવાલો અનુસાર, કેટલાક ખ્રિસ્તી સંગઠનોએ સુરક્ષાના કારણોસર ઘરોમાં યોજાતી પ્રાર્થના સભાઓ અને મુલાકાતો હાલ પૂરતી બંધ કરી દીધી છે. બીજી તરફ, કેટલાક હિંદુ સંગઠનો દ્વારા આ સભાઓ દરમિયાન લોકોને લાલચ આપીને અથવા જબરદસ્તી ધર્માંતરણ (Forced Conversion) કરાવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

App Store

ઉલુબેરિયામાં પ્રાર્થના સભા દરમિયાન હોબાળો

અહેવાલ મુજબ, 23 ઓગસ્ટે હાવડાના (Howrah) ઉલુબેરિયા વિસ્તારમાં એક ઘરમાં રવિવારની પ્રાર્થના સભા ચાલી રહી હતી. આ સભામાં લગભગ 60 લોકો હાજર હોવાનું જણાવાયું છે. બપોરે આશરે 3 વાગ્યે નારા લગાવતી ભીડ ત્યાં પહોંચી હતી અને જબરદસ્તી ધર્માંતરણનો આરોપ લગાવીને હોબાળો કર્યો હતો.

પાદરી મિથુન હજરાએ આરોપ લગાવ્યો કે ભીડે તેમની સાથે તેમજ અન્ય લોકો સાથે મારપીટ કરી હતી. ઘરમાં રહેલી સાઉન્ડ સિસ્ટમ, પોડિયમ, ટેબલ, ખુરશીઓ અને પંખાઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચી હતી અને પાદરી સહિત ત્યાં હાજર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પાદરીની ફરિયાદ બાદ પોલીસે એફઆઈઆર (FIR) નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે, આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

અન્ય જિલ્લાઓમાં પણ આવી ઘટનાઓના આરોપ

ખ્રિસ્તી સંગઠનોનું કહેવું છે કે ઉલુબેરિયાની ઘટના એકલદોકલ નથી. સંગઠનના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, હાવડા, ઉત્તર 24 પરગણા, પૂર્વ બર્ધમાન અને પૂર્વ મેદિનીપુર સહિતના વિસ્તારોમાં પણ પ્રાર્થના સભાઓ દરમિયાન વિવાદ અને કથિત હુમલાની ઘટનાઓ સામે આવી છે.

30 ઓગસ્ટે હાવડાના જગતબલ્લવપુર અને ઉત્તર 24 પરગણાના હિંગલગંજમાં ઘરોમાં ચાલી રહેલી પ્રાર્થના સભાઓ દરમિયાન પણ ઘટનાઓ બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 25 ઓગસ્ટે હાવડાના ઘુસુડી વિસ્તારમાં પ્રાર્થના સભા દરમિયાન લોકો સાથે મારપીટ થયાની ફરિયાદ સામે આવી હતી.

26 ઓગસ્ટે પૂર્વ મેદિનીપુરના ચેક માઇલપોસ્ટ ગામમાં એક ઘરમાં પ્રાર્થના સભા દરમિયાન પાદરી અને તેમની પત્ની સાથે મારપીટ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

અંતિમ સંસ્કારને લઈને પણ વિવાદ

પૂર્વ બર્ધમાનના સેન્ટ ક્લેરેટ ચર્ચમાં 14 ઓગસ્ટે અંતિમ સંસ્કાર દરમિયાન વિવાદ સર્જાયો હોવાના અહેવાલ છે. ચર્ચના પાદરીના જણાવ્યા મુજબ, કેટલાક લોકોએ દફન સ્થળના દસ્તાવેજો બતાવવાની માગ કરી હતી. મામલો વણસતાં અંતિમ સંસ્કાર અટકાવવો પડ્યો અને મૃતદેહને અન્ય કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યો હતો.

જોકે, પોલીસનું કહેવું છે કે મૃત મહિલા સ્થાનિક રહેવાસી ન હોવાથી સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. આ જમીન કબ્રસ્તાનની છે કે ખાનગી જમીન છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.

સરકારનું શું કહેવું છે?

પશ્ચિમ બંગાળ સરકારના આદિવાસી વિકાસ અને લઘુમતી બાબતોના મંત્રી ક્ષુદિરામ ટુડુએ કહ્યું કે કોઈ વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા અનુસાર પ્રાર્થના કરવાનો અધિકાર છે. સરકાર કોઈની વ્યક્તિગત ધાર્મિક બાબતોમાં દખલ કરવા માંગતી નથી. જોકે, જો જબરદસ્તી ધર્માંતરણ થઈ રહ્યું હોય તો કાયદા (Law) મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ સમગ્ર મુદ્દે રાજકીય પક્ષોએ પણ પ્રતિક્રિયા આપી છે. ડાબેરી નેતાઓએ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની રક્ષા કરવાની વાત કરી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર ભયનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ભાજપના નેતાઓએ કેટલીક ઘટનાઓ અંગે જાણકારી ન હોવાની વાત કહી છે.

હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. પ્રાર્થના સભાઓ પર થયેલા કથિત હુમલા અને જબરદસ્તી ધર્માંતરણના આરોપોમાંથી કયા દાવા સાચા છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.