પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: મમતા બેનર્જી સામે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ, હાઈકોર્ટના આદેશના ઉલ્લંઘનનો મોટો આરોપ!

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો વળાંક આવ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) છાત્ર પરિષદના આયોજકો વિરુદ્ધ કોલકાતાના હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશનમાં કલકત્તા હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
28 ઓગસ્ટના રોજ કોલકાતાના કેથેડ્રલ રોડ પર TMC છાત્ર પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, કલકત્તા હાઈકોર્ટે (WPA નંબર 21728/2026 હેઠળ) આ રેલી માત્ર રસ્તાના એક ચોક્કસ ભાગ પર યોજવાની મંજૂરી આપી હતી. જોકે, કાર્યકર્તાઓએ રસ્તાનો બીજો ભાગ પણ રોકી લીધો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.
BNS ની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ
હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશનમાં કેસ નંબર 112 હેઠળ નોંધાયેલી આ FIRમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો લાગુ કરવામાં આવી છે. BNS ની કલમ 61(2), 223, 125(a), 132 અને 285 હેઠળ કેસ નોંધાયો છે. હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર (SI) અપુ વૈદ્ય દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસ સાથે ઘર્ષણ અને ટ્રાફિક જામના આક્ષેપો
ફરિયાદમાં જણાવાયું છે કે 28 ઓગસ્ટના રોજ બપોરે 12 થી સાંજના 3 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન સમર્થકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. ઉશ્કેરાયેલી ભીડે બેરિકેડ હટાવી દીધા હતા અને સ્થળ પર તૈનાત પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. આ અવ્યવસ્થાને પગલે કેથેડ્રલ રોડ પર ભારે અફરાતફરી સર્જાઈ હતી અને ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો.
આ ઉપરાંત, આયોજકોએ કોર્ટ દ્વારા નિર્ધારિત કરાયેલા સમય મર્યાદા કરતા વધુ સમય સુધી કાર્યક્રમ ચાલુ રાખ્યો હોવાનો પણ આરોપ છે. સેંકડો કાર્યકર્તાઓ મમતા બેનર્જીનું ભાષણ સાંભળવા માટે પહોંચ્યા હતા. હાલ પોલીસ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આગળની કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી રહી છે.

