Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Controversy over Chidambaram's Pahalgam attack

આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા તેના પુરાવા જ નથી મળ્યા, ચિદમ્બરમના નિવેદન પર ભાજપ ભડક્યું

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2025
લાઇવ ટીવીGoogle News
આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા તેના પુરાવા જ નથી મળ્યા, ચિદમ્બરમના નિવેદન પર ભાજપ ભડક્યું
સોર્સ : GSTV

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમના પહેલગામ આતંકી હુમલાને લઇને આપેલા નિવેદનથી ભાજપ ભડક્યું છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા શોભા કરંદલાજેએ પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમ પર નિશાન સાધ્યું છે, તેમણે કહ્યું કે ચિદમ્બરમ સતત પાકિસ્તાનનો બચાવ કેમ કરી રહ્યાં છે? હંમેશા કોંગ્રેસ પોતાની જ સુરક્ષા એજન્સીઓ પર સવાલ કેમ ઉઠાવે છે?

App Store

ભાજપે ઉઠાવ્યા સવાલ

શોભા કરંદલાજેએ કહ્યું કે પાકિસ્તાનનો ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાનો લાંબો અને લોહિયાળ ઇતિહાસ રહ્યો છે. આ પ્રથમ વખત નથી છતા પણ કોંગ્રેસ વારંવાર આવા જઘન્ય કૃત્યોને ઓછું મહત્ત્વ આપતી આવી છે. ભાજપના નેતાએ પૂછ્યું કે ચિદમ્બરમ તેમના નિવેદન દ્વારા શું મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે? તેમણે પૂછ્યું કે શું તમે બહાદુર ભારતીય સશસ્ત્ર દળો કરતાં ISI પર વધુ વિશ્વાસ કરો છો અને શું રાજકીય દ્વેષ રાષ્ટ્રીય હિત કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે?

કેન્દ્રીય મંત્રી કરંદલાજેએ કહ્યું કે એવું લાગે છે કે કોંગ્રેસના DNAમાં કેટલીક ગંભીર ખામીઓ છે, જે હંમેશા ભારત પર શંકા કરે છે અને આપણા લોકો પર હુમલો કરનારાઓ પ્રત્યે હંમેશા નરમ વલણ અપનાવે છે.

ચિદમ્બરમે શું કહ્યું હતું?

ચિદમ્બરમે કહ્યું હતું કે સરકાર એ કહેવા તૈયાર નથી કે NIAએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં શું કર્યું છે. શું તેમણે આતંકવાદીઓને ઓળખી કાઢ્યા છે? તેઓ ક્યાંથી આવ્યા? તેઓ દેશમાં જ તાલીમ પામેલા આતંકવાદીઓ હોઇ શકે છે. તમે કેમ માની લીધું કે તે પાકિસ્તાનથી આવ્યા છે? તેનો કોઇ પુરાવો નથી. સરકાર ભારતને થયેલા નુકસાનને પણ છુપાવી રહી છે.પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમે આરોપ લગાવ્યો કે સરકારે દેશને વિશ્વાસમાં લીધો નથી. તેમણે કહ્યું કે વડાપ્રધાને કહ્યું કે ઓપરેશન બંધ થયું છે, સમાપ્ત થયું નથી. જો આવું છે તો પછી સરકારે કયા પગલાં લીધાં છે? શું મોદી સરકારે પહેલગામ જેવા બીજા હુમલાને રોકવા માટે કોઈ નક્કર પગલાં લીધાં છે?

ચિદમ્બરમે સરકારને પૂછ્યું કે હુમલો કરનારા આતંકવાદીઓ ક્યાં છે? તમે તેમને કેમ પકડ્યા નથી, તમે તેમને હજુ સુધી કેમ ઓળખ્યા નથી? હુમલાખોરોને આશ્રય આપનારા કેટલાક લોકોની ધરપકડના સમાચાર હતા. તેનું શું થયું? આવા ઘણા સવાલ છે, પણ સરકાર તેમને કેમ ટાળી રહી છે? વડાપ્રધાન મોદી આ વિશે કેમ બોલતા નથી?

મહત્ત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ બૈસરન ઘાટીમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં 26 પ્રવાસીઓના મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલો કરનારા આતંકીઓ હજુ સુધી પકડાયા નથી.