Bihar Election: સાસારામમાં મતગણતરી પહેલા જ સ્ટ્રોન્ગ રૂમ પરિસરમાં ટ્રક પહોંચતા વિવાદ;RJDના સમર્થકો પર પોલીસનો લાઠીચાર્જ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખતા રોહતાસ જિલ્લા ઓફિસ સાસારામમાં બનેલા મતગણતરીના સ્થળે બુધવાર મોડી રાત્રે તે સમયે વિવાદ ઉભો થયો જ્યારે એક ટ્રક અચાનક સ્ટ્રોંગ રૂમ પરિસરની અંદર ઘુસી ગયો હતો. ટ્રકને મતગણતરીના સ્થળે અંદર જતા જોઇ કેટલાક ઉમેદવારોના સમર્થકોએ વિવાદ કર્યો હતો. લોકોએ સ્ટ્રોન્ગ રૂમની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા નારેબાજી કરી હતી. થોડી વારમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.પોલીસે હંગામો કરતા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. બનાવની જાણ થતા જ DM ઉદિતા સિંહ અને SP રોશન કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
RJDના ઉમેદવારોએ CCTV ખરાબ હોવાની ફરિયાદ કરી
RJDના કેટલાક ઉમેદવારોએ વજ્ર ગૃહની અંદરના CCTV કેમેરા ખરાબ હોવાની ફરિયાદ કરી હતી. આ ઘટનાક્રમ બાદ થોડી વાર માટે RJDના ઉમેદવાર રાજેશ યાદવ, સાસારામના ઉમેદવાર સતેન્દ્ર શાહ અને નોખાના ઉમેદવાર અનીતા ચૌધરી ધરણા પર બેસી ગયા હતા.
DM-SPએ RJDના ઉમેદવારો અને તેમના સમર્થકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. RJDના સમર્થકોનો આરોપ છે કે પોલીસ તંત્ર તરફથી આ ઘટનાને દબાવવા માટે તેમના વિરૂદ્ધ બળ પ્રયોગ કરવામાં આવ્યો છે.
રોહતાસના એસપી રોશન કુમારે બળ પ્રયોગના આરોપોનું ખંડન કર્યું છે. વજ્ર ગૃહ પરિસર બજાર સમિતિ તકિયામાં ચેનારી વિધાનસભાના શિવસાગર ડિસ્પેચ સેન્ટરમાંથી ખાલી બોક્સ ભરેલો ટ્રક પરિસરમાં આવવાની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
સ્પષ્ટીકરણમાં પૂછવામાં આવ્યું કે વજ્ર ગૃહને સીલ કરવામાં આવ્યા બાદ અંતે કઇ પરિસ્થિતિમાં ખાલી બોક્સ ભરેલો ટ્રક મોકલવામાં આવ્યો હતો.

