VIDEO: ‘કોંગ્રેસ પોતાનું નવું બંધારણ બનાવવા માંગે છે...’: વંદે માતરમ વિવાદ પર દેવેન્દ્ર ફડણવીસના પત્ની ભડક્યા!
મહારાષ્ટ્રના નાગપુરમાં કોંગ્રેસ પક્ષના એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના માત્ર પ્રથમ બે અંતરા (કડીઓ) ગાવાને લઈને નવો રાજકીય વિવાદ છેડાઈ ગયો છે. આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અને સામાજિક કાર્યકર અમૃતા ફડણવીસે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
અમૃતા ફડણવીસે કોંગ્રેસની આકરી ટીકા કરતાં જણાવ્યું કે, "કોંગ્રેસ દરેક પગલે પોતાના માટે એક નવું બંધારણ ઘડવા માંગે છે. માત્ર કંઈક નવું દેખાડવાના હેતુથી સંસદમાં પસાર થયેલા બિલનો વિરોધ કરવો એ તેનું જ ઉદાહરણ છે. જો તેમનો આવો જ ઈરાદો રહેશે, તો મને વિશ્વાસ છે કે આપણા પોતાના લોકો જ તેની સામે વાંધો ઉઠાવશે અને કોંગ્રેસે તેનો સામનો કરવો જ પડશે."
કોંગ્રેસના આ કાર્યક્રમ બાદ શરૂ થયેલો આ વિવાદ સોશિયલ મીડિયા તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પક્ષના કાર્યક્રમમાં પૂર્ણ વંદે માતરમ ન ગાવાને લઈને વિપક્ષી નેતાઓ અને સામાજિક સંગઠનો દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

