VIDEO: વિદ્યાર્થીઓના કરોડો રૂપિયા અટકાવી બેઠી છે કોંગ્રેસ સરકાર? રસ્તા પર ઉતરેલા BJP નેતાઓને પોલીસે દબોચી લીધા!
તેલંગાણામાં કોંગ્રેસ સરકાર સામે ભાજપે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. વિધાનસભા પરિસર બહાર રાજ્ય સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા તેલંગાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ એન. રામચંદર રાવ તેમજ અન્ય ભાજપ આગેવાનો અને કાર્યકરોની હૈદરાબાદ પોલીસે અટકાયત કરી છે. વિધાનસભા સત્ર દરમિયાન ભાજપના આ ઉગ્ર વિરોધ પ્રદર્શનને પગલે વિધાનસભા પરિસર બહાર ભારે નાટ્યાત્મક દ્રશ્યો સર્જાયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
વિદ્યાર્થીઓની ફી રિઇમ્બર્સમેન્ટ મુદ્દે હોબાળો
અટકાયત દરમિયાન તેલંગાણા ભાજપ અધ્યક્ષ રામચંદર રાવે રાજ્યની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે તેલુગુમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “તેલંગાણા સરકાર વિદ્યાર્થીઓની બાકી નીકળતી ફી રિઇમ્બર્સમેન્ટની રકમ જાહેર કરી રહી નથી. સરકારે વિદ્યાર્થીઓ માટે બાકી નીકળતા આશરે રૂ. 40 લાખ (ફંડ/બકાયા) ચૂકવવાના બાકી છે. વિદ્યાર્થીઓ પ્રત્યે રાજ્ય સરકારનું આ પ્રકારનું ઉપેક્ષિત વલણ અત્યંત નિંદનીય છે અને ભાજપ તેને સખત શબ્દોમાં વખોડે છે.”
વિધાનસભા ઘેરાવનો પ્રયાસ, વાતાવરણ તંગ
ભાજપના નેતાઓ અને કાર્યકરો વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને બેરિકેડ લગાવી અટકાવ્યા હતા. પોલીસ અને કાર્યકરો વચ્ચે થોડીવાર માટે ઝપાઝપી જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. પરિસ્થિતિ વણસતી જોઈ પોલીસે રામચંદર રાવ સહિતના અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લઈ પોલીસ વાહનમાં બેસાડી દીધા હતા અને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
વિદ્યાર્થીઓના હિત અને ફી રિઇમ્બર્સમેન્ટના મુદ્દે ભાજપ દ્વારા આક્રમક આંદોલન છેડવામાં આવતાં તેલંગાણાનું રાજકીય તાપમાન પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે.

