સરકારને CJPની ચેતવણી; વાયદાઓ પૂરા નહીં થાય તો દેશવ્યાપી આંદોલન, 24 ઓગસ્ટની બેઠકમાં લેવાશે મહત્ત્વપૂર્ણ નિર્ણયો

કોકરોચ જનતા પાર્ટી (CJP) એ ચેતવણી આપી છે કે, જો સરકાર પોતાના વચનો પૂરા નહીં કરે, તો દેશમાં ફરી એકવાર શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરવામાં આવશે. સીજેપીએ કેન્દ્ર સરકાર પર યુવાનો સાથે કરેલા વચનોથી ફેરવી તોળવાનો અને વિશ્વાસઘાત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પાર્ટીએ જણાવ્યું કે, 25 જુલાઈના રોજ જે સમજૂતીના આધારે દેશવ્યાપી આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું, તે માગણીઓ સરકાર હવે પૂરી કરવામાંથી પીછેહઠ કરી રહી છે.
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી અને સરકારનું વલણ
સીજેપીની લીગલ ટીમ અને નેતાઓના જણાવ્યા અનુસાર, 18 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ત્રણ વખત વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી એફઆઈઆર (FIR)ની પૂરી યાદી માગી હતી. સુપ્રીમ કોર્ટ બંધારણની કલમ 142 હેઠળ મળેલા વિશેષ અધિકારોનો ઉપયોગ કરીને તમામ કેસો એકસાથે રદ કરવા માગતી હતી. પરંતુ, કોર્ટના વારંવાર પૂછવા છતાં, કેન્દ્ર સરકારે આ યાદી સોંપવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
પ્રેસ કોન્ફરન્સમાં સીજેપીના સહ-સંયોજક સૌરવ દાસ અને લીગલ અફેર્સ લીડ રત્ના સિંહે આરોપ લગાવ્યો કે, આંદોલન સમાપ્ત કરાવ્યા બાદ સરકાર દેશના યુવાનોને છેતરવાનો પ્રયાસ કરી રહી છે.
મુખ્ય વચનો કયા હતા?
સીજેપીના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે સરકારે તેમની સાથે બે મુખ્ય વચનો આપ્યા હતા.
કેસ પાછા ખેંચવા: આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર દાખલ થયેલી તમામ એફઆઈઆર તરત રદ કરવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં થાય.
પીડિતોને વળતર: NEET પરીક્ષા પેપર લીકમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારોને સન્માનજનક વળતર આપવામાં આવશે.
24 ઓગસ્ટે રાષ્ટ્રીય કારોબારીની બેઠક
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોકરોચ જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 24 ઓગસ્ટે બોલાવવામાં આવી છે, જેમાં આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. સીજેપીએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તેમની પહેલી સફળતા હતી, પરંતુ જ્યાં સુધી તમામ વાયદા પૂરા નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.

