અનામત અમારો અધિકાર, દાનમાં નથી મળ્યું, આંદોલન મુદ્દે ભડક્યા ભાજપના સાથી નેતા

દિલ્હીના જંતર મંતર ખાતે થઈ રહેલા 'અનામત હટાવો આંદોલન'ના વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને અનામત વ્યવસ્થાનું સમર્થન કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અનામત એ કોઈ દયા કે ભેટ નથી, પરંતુ બંધારણીય અધિકાર છે. જે જ્ઞાતિઓ અને સમુદાયોએ સદીઓથી ભેદભાવનો સામનો કરવો પડ્યો છે તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉદ્દેશ્યથી બંધારણમાં આ જોગવાઈ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ કે જૂથ માત્ર માંગણી કરે તેટલાથી અનામત ખતમ થઈ શકે નહીં.
ડો. આંબેડકરનું બંધારણ અને અનામતનો વ્યાપ
ચિરાગ પાસવાને બિહારમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, અનસુચિત જાતિ (SC) ની ઓળખ અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવના આધારે કરવામાં આવી હતી. જ્યારે અનસુચિત જનજાતિ (ST)ની પોતાની આગવી સંસ્કૃતિ, ભાષા અને જીવનશૈલી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં અનામતની જોગવાઈ કરીને આ વંચિત વર્ગોને અધિકાર આપ્યો હતો. સમય જતાં આ જોગવાઈઓને વધુ મજબૂત કરવામાં આવી છે અને આજે ઉચ્ચ જ્ઞાતિના ગરીબ લોકોને પણ (EWS) અનામતનો લાભ મળી રહ્યો છે. આટલા વ્યાપક બંધારણીય અધિકારને યોગ્ય વિચાર-વિમર્શ વગર નાબૂદ કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.
જંતર મંતર પર 'અનામત હટાવો આંદોલન'ની માંગણીઓ
બીજી તરફ, નવી દિલ્હીના જંતર મંતર પર સેંકડો લોકો 'અનામત હટાવો આંદોલન' હેઠળ એકઠા થયા હતા. સોશિયલ મીડિયા પર 5.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા આ આંદોલનની મુખ્ય માંગ છે કે સરકારી સહાય, શિષ્યવૃત્તિ અને શિક્ષણમાં આર્થિક સ્થિતિને મુખ્ય આધાર બનાવવો જોઈએ. આંદોલનકારોએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના પ્રવેશમાં ન્યૂનતમ માર્ક્સનો નિયમ જાળવી રાખવા, ક્રિમી લેયરના નિયમો સ્પષ્ટ કરવા અને છેલ્લા 80 વર્ષમાં અનામતની અસરો અંગે શ્વેતપત્ર (White Paper) બહાર પાડવાની માંગ કરી છે. ઉપરાંત EWS વર્ગને વધુ સુવિધાઓ આપવાની અપીલ કરવામાં આવી છે.
વિરોધકર્તાઓ સાથે સરકાર વાતચીત કરવા તૈયાર
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ઉમેર્યું કે અનામત અંગેની કોઈપણ ગેરસમજ દેશની મોટી વસ્તીમાં આક્રોશ પેદા કરી શકે છે. જો પ્રદર્શનકારીઓ પોતાની માંગણીઓ પદ્ધતિસર રીતે સરકાર સમક્ષ રજૂ કરશે તો સરકાર તેમની સાથે સકારાત્મક વાતચીત કરશે. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ, કેન્દ્રીય મંત્રી વ્યક્તિગત રીતે તેમની સાથે મુલાકાત કરીને આ મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરશે.

