VIDEO: અભિષેક બેનર્જીના PAના ઘરે CID ત્રાટકી! કોલકાતામાં દરોડા પડતાં જ TMCમાં ભારે હડકંપ
પશ્ચિમ બંગાળમાં કથિત જમીન કૌભાંડ મામલે તપાસ એજન્સીઓએ કાર્યવાહી તેજ કરી છે. પશ્ચિમ બંગાળ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ના અધિકારીઓની એક ટીમે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) સુમિત રોયના કોલકાતા સ્થિત નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સીઆઈડીની આ આકસ્મિક કાર્યવાહીથી રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
જમીન કૌભાંડ મામલે કાર્યવાહી
સૂત્રોના જણાવ્યા અનુસાર, સાલબોની સરકારી જમીન કૌભાંડ કેસની તપાસના સંદર્ભમાં સીઆઈડી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સી દ્વારા સુમિત રોયના સ્થળો પરથી મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને નાણાકીય વ્યવહારોની વિગતો મેળવવા તપાસ ચલાવવામાં આવી રહી છે.
અભિષેક બેનર્જીના અત્યંત નજીકના સહયોગી ગણાતા સુમિત રોય પર સકંજો કસાતાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય નિવેદનબાજી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે.

