Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Centuries-old ancient Shivling found in Trimbakeshwar's Amritkund, historical revelations made during ASI's cleaning

ત્ર્યંબકેશ્વરના અમૃતકુંડમાંથી મળ્યું સદીઓ જૂનું પ્રાચીન શિવલિંગ, ASIની સફાઈ દરમિયાન થયો ઐતિહાસિક ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ત્ર્યંબકેશ્વરના અમૃતકુંડમાંથી મળ્યું સદીઓ જૂનું પ્રાચીન શિવલિંગ, ASIની સફાઈ દરમિયાન થયો ઐતિહાસિક ખુલાસો
સોર્સ : gstv

નાસિકમાં યોજાનારા સિંહસ્થ કુંભમેળાની ધાર્મિક તૈયારીઓ વચ્ચે મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાંથી એક આશ્ચર્યજનક અને ભક્તિમય સમાચાર સામે આવ્યા છે. મંદિર પરિસરમાં આવેલા ઐતિહાસિક અને પવિત્ર 'અમૃતકુંડ'ની સફાઈ દરમિયાન વર્ષોથી કાદવ અને પાણીની નીચે છુપાયેલું એક પ્રાચીન શિવલિંગ મળી આવ્યું છે. આ શોધે ભક્તો સહિત ઇતિહાસકારોમાં ભારે કુતૂહલ જગાડ્યું છે.

App Store

કુંડના તળિયે પથ્થરનું એક સુંદર શિવલિંગ મળ્યું

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા હાલમાં ત્ર્યંબકેશ્વર મંદિર સંકુલમાં સંરક્ષણ અને સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પેશ્વા શાસનકાળ દરમિયાન બનેલા આશરે 65 ફૂટ ઊંડા 'અમૃતકુંડ' (જેને અમૃતવર્ષિણી પણ કહેવાય છે) માંથી સદીઓ જૂનો કાંપ, રેતી અને કાદવ દૂર કરવા માટે પાણી ખાલી કરવામાં આવી રહ્યું હતું, ત્યારે કુંડના તળિયે પથ્થરનું એક સુંદર શિવલિંગ સ્પષ્ટપણે દેખાઈ આવ્યું હતું. દર ચોમાસે જમા થતી માટીના જાડા સ્તરોને કારણે આ શિવલિંગ સદીઓથી ઢંકાયેલું હતું, જેથી તે કોઈની નજરે નહોતું ચઢ્યું.

કેટલું જૂનું છે આ શિવલિંગ?

આ શિવલિંગ કેટલું જૂનું છે એ જાણવા માટે હજુ વૈજ્ઞાનિક પરીક્ષણ (કાર્બન ડેટિંગ) બાકી છે, પરંતુ ઇતિહાસકારોમાં તેને લઈને બે મત પ્રવર્તે છે.
240 વર્ષ જૂનું: વર્તમાન ત્ર્યંબકેશ્વર મંદિરનું પુનર્નિર્માણ પેશ્વા બાલાજી બાજીરાવ દ્વારા ઈ.સ. 1755 થી 1786 ની વચ્ચે કરવામાં આવ્યું હતું. જો આ શિવલિંગ તે સમયનું હોય, તો તે આશરે 240 વર્ષ જૂનું હોઈ શકે છે.

335 વર્ષથી વધુ જૂનું: કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ઈ.સ. 1690 માં જ્યારે ઔરંગઝેબની સેનાએ જૂના મંદિર પર હુમલો કર્યો હતો, ત્યારે સુરક્ષાના ભાગરૂપે સ્થાનિક લોકોએ આ શિવલિંગને કુંડના પાણીમાં છુપાવી દીધું હોય, એવું બની શકે. જો આ દાવો સાચો સાબિત થાય, તો શિવલિંગ 335 વર્ષથી પણ વધુ પ્રાચીન હોઈ શકે છે.

સદીઓ સુધી પાણીમાં રહેવા છતાં અકબંધ રહ્યું શિવલિંગ

ત્ર્યંબકેશ્વરનો વિસ્તાર ડેક્કન ટ્રેપમાં આવે છે, જ્યાં મજબૂત કાળો બેસાલ્ટ પથ્થર પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ શિવલિંગ પણ બેસાલ્ટ પથ્થરમાંથી બનેલું છે. આ પથ્થર ખૂબ જ મજબૂત હોય છે અને પાણીની અંદર સૂર્યપ્રકાશ કે તાપમાનની તેના પર કોઈ ખાસ અસર થતી નથી. શિવલિંગ પર જમા થયેલા કાંપના સ્તરોએ તેનું ધોવાણ થવા દીધું નથી, જેના કારણે સદીઓ પછી પણ તેનો આકાર એકદમ અકબંધ રહ્યો છે.

અમૃતકુંડનું ધાર્મિક મહત્ત્વ અને વર્તમાન સ્થિતિ

દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું એક એવું આ ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર નાસિકથી લગભગ 28 કિલોમીટર દૂર આવેલું છે. અહીંના અમૃતકુંડનું પાણી અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને રોજ ભગવાનના અભિષેક માટે આ જ પાણીનો ઉપયોગ થાય છે. હાલમાં શિવલિંગ મળ્યા બાદ સુરક્ષાના કારણોસર ભક્તોના કુંડ તરફ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, ત્યાં કામ કરતા કર્મચારીઓ દ્વારા લેવાયેલા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. આગામી સમયમાં ASI ની પ્રયોગશાળામાં પથ્થરની રચના અને કાંપના નમૂનાઓની વૈજ્ઞાનિક તપાસ બાદ જ આ શિવલિંગના વાસ્તવિક ઇતિહાસ પરથી પડદો ઊંચકાશે.