VIDEO: વાહનોની આંખો આંજી દેતી તેજ હેડલાઇટ પર કેન્દ્ર સરકારની લગામ: નિયમોમાં થશે મોટા ફેરફાર
રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે સામેથી આવતી ગાડીઓની આંખો આંજી દેતી તેજ હેડલાઈટને કારણે થોડીક સેકન્ડો માટે રસ્તો સાવ અદૃશ્ય થઈ જતો હોય છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ અંધાપો જીવલેણ અકસ્માતનું કારણ બને છે. હવે કેન્દ્ર સરકારનું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આ ગંભીર સમસ્યાને નાથવા માટે વાહનોની હેડલાઈટ, હાઈ-બીમનો ઉપયોગ અને ભારે વાહનોની વિઝિબિલિટી સંબંધિત મોટર વ્હીકલ નિયમોમાં ધરખમ ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે.
રોશનીની તીવ્રતામાં મોટો ઘટાડો
નવા પ્રસ્તાવ અનુસાર વાહનોની હેડલાઈટની મહત્તમ તીવ્રતા ઘટાડવાની વિચારણા ચાલી રહી છે.
ટુ-વ્હીલર
વર્તમાન મર્યાદા: 1.5 લાખ કેન્ડેલા
સૂચિત નવી મર્યાદા: 1 લાખ કેન્ડેલા
ફોર-વ્હીલર
વર્તમાન મર્યાદા : 2.25 લાખ કેન્ડેલા
સૂચિત નવી મર્યાદા : 1.5 લાખ કેન્ડેલા
શહેરોમાં હાઈ-બીમ વાપરવા પર વાગશે ઓડિયો એલર્ટ
જો કોઈ વાહનચાલક શહેરી વિસ્તારમાં બિનજરૂરી રીતે હાઈ-બીમ લાઈટ ચાલુ કરશે, તો વાહનની અંદરથી જ તેને ચેતવણી આપતો ઓડિયો એલર્ટ સંભળાશે.
હાઈવે પર ડ્રાઈવિંગમાં ખલેલ ન પહોંચે તે માટે 60 km/h થી વધુ ઝડપ હશે ત્યારે આ ઓડિયો એલર્ટ વાગશે નહીં.
નવા બનનારા દ્વિચક્રી વાહનોમાં ઓટોમેટિક હેડલેમ્પ માત્ર લો-બીમ પર જ કામ કરે તેવો નિયમ લાગુ થઈ શકે છે (હાલના વાહનોને આમાંથી મુક્તિ મળશે).
તેજ સફેદ અને વાદળી રોશની પર લગામ: કલર ટેમ્પરેચર મર્યાદિત
આજકાલ માર્કેટમાં આફ્ટર-માર્કેટ લગાવવામાં આવતી વધુ પડતી સફેદ અને વાદળી રંગની LED હેડલાઈટ્સથી આંખોને ભારે તકલીફ થાય છે. આથી સરકારે હેડલાઈટનું કલર ટેમ્પરેચર મહત્તમ 6500 Kelvin સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
બસ અને ટ્રકો માટે રિફ્લેક્ટિવ ટેપ ફરજિયાત
ધુમ્મસ, વરસાદ, ખરાબ હવામાન કે અંધારામાં પાછળથી કે બાજુમાંથી આવતા વાહનચાલકોને મોટા વાહનો દૂરથી દેખાઈ શકે તે માટે બસો અને તમામ ભારે કોમર્શિયલ વાહનો પર સ્ટાન્ડર્ડ રિફ્લેક્ટિવ ટેપ લગાવવી ફરજિયાત કરવામાં આવશે.
નવા નિયમો ક્યારે લાગુ થશે?
પરિવહન મંત્રાલયે આ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડીને તમામ સ્ટેકહોલ્ડર્સ, ઓટોમોબાઇલ કંપનીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી 30 દિવસની અંદર વાંધા-સૂચનો મંગાવ્યા છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી એપ્રિલ મહિનાથી આ નવા નિયમો દેશભરમાં તબક્કાવાર લાગુ કરવાની યોજના છે.

