CBIએ કર્યો 350 કરોડના ક્રિપ્ટો પોન્ઝી કૌભાંડનો પર્દાફાશ, ગુજરાત સહિત અનેક જગ્યાએ તપાસ એજન્સીના દરોડા

CBIએ 350 કરોડના ક્રિપ્ટો પોન્ઝી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ માટે તેણે સાત સ્થળોએ દરોડા પાડ્યા છે અને સાતની સામે કેસ નોંધ્યો છે. આરોપીઓ દિલ્હી, હઝારીબાગ, ભઠિંડા, રતલામ, વલસાડ, પુડુક્કોટ્ટઇ અને ચિત્તોડગઢ ખાતેથી કૌભાંડ ચલાવતા હતા. તેઓ રોકાણકારોને ક્રિપ્ટોકરન્સીમાં વળતરની લાલચ આપીને રૂપિયા મેળવતા હતા.
ક્રિપ્ટો કૌભાંડનો પર્દાફાશ
આ પોન્ઝી સ્કીમને વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં પ્રમોટ કરવામાં આવતી હતી. બેન્ક ખાતાના વ્યવહારો અને ક્રિપ્ટોકરન્સીના વોલેટનું વિશ્લેષણ દર્શાવે છે કે આ કૌભાંડમાંથી મેળવેલા નાણાનું ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતર કરવામાં આવતુ હતુ જેથી તેનું મૂળ જ શોધી ન શકાય.
અધિકારીઓએ જણાવ્યું કે આ સ્કીમ્સમાં રૂપિયા 350 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન કર્યા છે. તપાસ એજન્સીએ દિલ્હી, ઝારખંડ, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને રાજસ્થાનમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન CBIએ આરોપીઓના ક્રિપ્ટોકરન્સી વોલેટમાં 38,414 ડોલર જપ્ત કર્યા હતા, જેને તપાસ માટે ડિજિટલી સિક્યોર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મલાણા ગ્રામ પંચાયતના બે સદસ્ય 2,00,000 ની લાંચ લેતા ઝડપાયા
આ તપાસના પરિણામે 34.2 લાખ રોકડા જપ્ત કરી શકાયા હતા તેમાં નોંધપાત્ર પ્રમાણમાં ડિજિટલ પુરાવા પણ જપ્ત કરાયા હતા તેમાં સાત મોબાઇલ ફોન, એક લેપટોપ, એક ટેબ્લેટ, ત્રણ હાર્ડડિસ્ક, 10 પેન ડ્રાઇવ્સ, મેમરી કાર્ડ્સ, સિમ કાર્ડ્સ, ATM-ડેબિટ કાર્ડ્સ, ઇ-મેઇલ એકાઉન્ટ્સ અને અન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

