'દરેક પ્રાઈવેટ પ્રોપર્ટી પર સરકાર કબ્જો ના કરી શકે', રિટાયરમેન્ટ પહેલા CJIએ સંભળાવ્યો ઐતિહાસિક નિર્ણય

સરકાર જાહેર હિતમાં કોઈની ખાનગી મિલકત હસ્તગત કરી શકે કે નહીં? આ સવાલના જવાબમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મંગળવારે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, તમામ ખાનગી મિલકતોને સાર્વજનિક હિત માટે જાહેર કરી શકાય નહીં. એટલે સરકાર દરેક મિલકત હસ્તગત કરી શકતી નથી. જો કે, તેને જાહેર હિતની બાબતોની સમીક્ષા કરવાનો અધિકાર છે અને આવી પરિસ્થિતિઓમાં તે જમીન પણ મેળવી શકે છે. કોર્ટે 1978ના એક નિર્ણયને પલટાવી દીધો જેમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર સમુદાયના હિતમાં કોઈપણ ખાનગી મિલકત હસ્તગત કરી શકે છે. બંધારણની કલમ 39(b)નું અવલોકન કરતાં સુપ્રીમ કોર્ટના 9 જજોની બેન્ચે આ મહત્ત્વનો નિર્ણય આપ્યો હતો.
આ પણ વાંચોઃ યુપી મદ્રેસા એક્ટને સુપ્રીમ કોર્ટે આપી માન્યતા, યોગી સરકારને લાગ્યો મોટો ઝટકો
9 જજની બેન્ચમાંથી 7એ બહુમતીથી ચુકાદો આપ્યો
સુપ્રીમ કોર્ટની 9 જજની બેન્ચમાંથી 7એ બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે, દરેક ખાનગી મિલકત સમુદાયના હિત માટે હસ્તગત કરી શકાતી નથી. આ બેંચમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત ન્યાયમૂર્તિ હૃષીકેશ રોય, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા, ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા, ન્યાયમૂર્તિ રાજેશ બિંદલ, ન્યાયમૂર્તિ એસસી શર્મા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહનો અભિપ્રાય હતો કે, દરેક ખાનગી મિલકત હસ્તગત કરી શકાતી નથી. બેન્ચમાં સામેલ જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ બીવી નાગરથનાએ અલગ-અલગ અભિપ્રાય આપ્યા હતા.
તમામ ખાનગી મિલકત ભૌતિક સંસાધનો નથી
મુખ્ય ન્યાયાધીશે બહુમતી નિર્ણય સંભળાવતા કહ્યું કે, તમામ ખાનગી મિલકત ભૌતિક સંસાધનો નથી અને તેથી સરકાર દ્વારા તેને હડપ કરી શકાય નહીં. બેન્ચની બહુમતી નિર્ણય મુજબ, તમામ ખાનગી માલિકીના સંસાધનો સરકાર હસ્તગત કરી શકતી નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે જો કે સરકાર લોકોની ભલાઈ માટે એવા સંસાધનો પર દાવો કરી શકે છે જે ભૌતિક અને સમુદાયની પાસે છે. સરકાર ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે તે જૂનો નિર્ણય વિશેષ આર્થિક અને સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતો.
સરકાર સામાન્ય ભલા માટે તમામ ખાનગી મિલકતો પર કબજો કરી શકે
સર્વોચ્ચ અદાલતના બહુમતી નિર્ણયે ન્યાયમૂર્તિ ક્રિષ્ના ઐયરના અગાઉના ચુકાદાને રદિયો આપ્યો હતો કે તમામ ખાનગી માલિકીના સંસાધનો સરકાર હસ્તગત કરી શકે છે. આ રીતે સર્વોચ્ચ અદાલતે 1978 પછીના નિર્ણયોને ઉલટાવી દીધા હતા જેણે સમાજવાદી વિચારને અપનાવ્યો હતો અને કહ્યું હતું કે સરકાર સામાન્ય ભલા માટે તમામ ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે.

