ખાટુશ્યામજીનાં દર્શને જતાં શ્રદ્ધાળુઓની બસનો અકસ્માત! ખાડામાં ખાબકતાં 8નાં મોત

Rajasthan Bus Accident: રાજસ્થાનના કોટા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કરાડિયા નજીક ગમખ્વાર બસ અકસ્માત સર્જાયો છે. ખાટુશ્યામજીનાં દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં આઠ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
ચાલકે કાબૂ ગુમાવતાં બસ ખાડામાં ખાબકી
પ્રાપ્ત અહેવાલો અનુસાર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કરાડિયા નજીકથી પસાર થતી વખતે બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ બસ રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. બસમાં સવાર મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.
પોલીસ અને સ્થાનિક લોકોએ હાથ ધરી બચાવ કામગીરી
અકસ્મતાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો અને એસએચઓ નંદ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને સ્થાનિક લોકોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને સારવાર માટે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
ભોપાલથી ખાટુશ્યામજીનાં દર્શન કરવા જઈ રહ્યા હતા શ્રદ્ધાળુઓ
કોટા જિલ્લાના કલેક્ટર પીયૂષ સમરિયાએ આ અકસ્માતમાં આઠ લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. બસમાં ભોપાલથી 21 લોકો સવાર હતા, જેમાં વૃદ્ધો અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. તમામ લોકો ખાટુશ્યામજીનાં દર્શન માટે જઈ રહ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.






