Rajya Sabha: ભાજપે રાજ્યસભામાં પૂર્ણ કરી સદી, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં થશે મોટો ફાયદો?

ઉપરાષ્ટ્રપતિના પદ માટે યોજાનારી ચૂંટણી વચ્ચે ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે. ભાજપે રાજ્યસભામાં ફરી એક વખત સદી ફટકારી છે. ભાજપના સાંસદોની સંખ્યા રાજ્યસભામાં 100નો મહત્ત્વનો આંકડો પાર કરીને 102 પર પહોંચી ગઇ છે. તાજેતરમાં જ ત્રણ નવા સાંસદ-ઉજ્જવલ નિકમ, હર્ષવર્ધન શ્રૃંગલા અને સી.સદાનંદન માસ્ટર નોમિનેટ થયા બાદ ભાજપમાં સામેલ થઇ ગયા છે.
ભાજપે રાજ્યસભામાં 100નો આંકડો પાર કર્યો
ભારતની રાજનીતિમાં ભાજપ એવો બીજો રાજકીય પક્ષ બની ગયો છે જેને રાજ્યસભામાં 100નો આંકડો પાર કર્યો છે. આ પહેલા 1988 અને 1990 વચ્ચે કોંગ્રેસે આ સિદ્ધિ મેળવી હતી. જોકે, ભાજપ આ પહેલા 2022માં પણ આ સિદ્ધિ મેળવી ચુકી છે ત્યારે રાજ્યસભામાં તેના 101 સભ્ય હતા.
NDA પાસે રાજ્યસભામાં કેટલુ સંખ્યાબળ
NDA પાસે રાજ્યસભામાં 134 સભ્ય છે જેમાંથી પાંચ નોમિનેટ સભ્ય છે જ્યારે સદનમાં બહુમત માટે 123 સાંસદોનું સંખ્યાબળ હોવું જરૂરી છે. રાજ્યસભામાં કૂલ 245 સભ્ય હોય છે અને વધુમાં વધુ 250 હોઇ શકે છે જેમાંથી 238 ચૂંટાયેલા અને 12 નોમિનેટેડ હોય છે.
મહત્ત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિના પદની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચે કહ્યું કે 21 ઓગસ્ટ સુધી ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન દાખલ કરી શકાશે જ્યારે 9 સપ્ટેમ્બરે મતદાન થશે. જગદીપ ધનખડના અચાનક રાજીનામાને કારણે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થયું છે અને હવે ચૂંટણી કરાવવી જરૂરી બની છે.
સંખ્યાબળના હિસાબથી NDA આગળ
સંખ્યાબળના હિસાબથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગી પક્ષ પાસે વિપક્ષ કરતા વધુ સાંસદ છે. હજુ નક્કી નથી કે વિપક્ષ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉતારશે કે નહીં. જોકે, તેને 2017 અને 2022ની ચૂંટણીમાં પુરી મજબૂતી સાથે લડી હતી.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે?
ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી મંડળમાં ફક્ત લોકસભા અને રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થાય છે. ભાજપના લોકસભામાં 240 અને રાજ્યસભામાં 102 સભ્યો છે. સરકાર, તેના સાથી પક્ષો સાથે, સંસદના બંને ગૃહોમાં 457થી વધુ સભ્યો ધરાવે છે. કોંગ્રેસના લોકસભામાં 99 અને રાજ્યસભામાં 27 સભ્યો છે. ઇન્ડિયા બ્લોક અને તેના સંલગ્ન પક્ષોના બંને ગૃહોમાં 300થી વધુ સભ્યો છે.
2022માં ખરાબ રીતે હાર્યું હતું વિપક્ષ
2022ની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષ હારી ગયું હતું. તે સમયે ચૂંટણીાં કુલ 725 મત પડ્યા હતા જેમાંથી ધનખડને 528 મત મળ્યા હતા અને વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ અલ્વાને 182 મત જ મળ્યા હતા. 15 વોટ ગેરકાયદેસર ગણવામાં આવ્યા હતા.

