"ભાજપ નેતા દિનેશ બિવાલ જ NEET પેપર લીકનો માસ્ટરમાઇન્ડ", કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહાર

NEET 2026 પેપર લીક મામલે તપાસ તેજ બની છે ત્યારે હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનથી ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી દિનેશ બિવાલને લઈને કોંગ્રેસ પાર્ટીએ એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે પેપર લીકનું આખું નેટવર્ક ચલાવનાર બિવાલ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલો નેતા છે.
ગહેલોત અને કોંગ્રેસે પોસ્ટરો જાહેર કર્યા
પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત અને કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પર દિનેશ બિવાલના કેટલાક પોસ્ટરો અને તસવીરો શેર કરી છે. આ પોસ્ટરોમાં બિવાલે પોતાની ઓળખ ભાજપના નેતા તરીકે આપી હોવાનું દેખાય છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેજા હેઠળ રહીને પેપર લીક માફિયાઓએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા છે.

કોંગ્રેસના આકરા પ્રહારો
કોંગ્રેસે સત્તાવાર નિવેદન જાહેર કરતા લખ્યું છે કે, "આ ભાજપના નેતા દિનેશ બિવાલ છે, જે પેપર લીક માફિયા છે. દિનેશે પહેલા 30 લાખ રૂપિયામાં NEET 2026નું પેપર ખરીદ્યું અને પછી તેને લાખો રૂપિયામાં અનેક લોકોને વેચ્યું હતું. સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં પેપર ફોરવર્ડ કરીને ભારે ગેરરીતિ આચરવામાં આવી છે. ભાજપ સરકારના શાસનમાં આવા માફિયાઓ ફૂલ્યા-ફાલ્યા છે અને અનેક પરિવારોના સપનાઓ તોડ્યા છે.
તપાસમાં ચોંકાવનારા ખુલાસા
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, દિનેશ બિવાલે હરિયાણાના ગુરુગ્રામથી આ પેપર મેળવ્યું હતું. ત્યારબાદ તેણે પોતાના પુત્ર સહિત અંદાજે 700 જેટલા વિદ્યાર્થીઓ સુધી આ પેપર પહોંચાડ્યું હોવાનું મનાય છે. આ કૌભાંડમાં લાખો રૂપિયાની લેતીદેતી થઈ હોવાના પુરાવા પણ મળી રહ્યા છે.
ભાજપની પ્રતિક્રિયાની રાહ
કોંગ્રેસના આ ગંભીર આરોપો બાદ રાજસ્થાન ભાજપ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે, આ ખુલાસા બાદ રાજ્યમાં પેપર લીક મામલે તપાસનો ધમધમાટ વધી ગયો છે અને સીકર સહિતના કોચિંગ ક્લાસીસોમાં પણ એજન્સીઓ દરોડા પાડી રહી છે.

